સુરતમાં પી.પી. સવાણી પરિવાર આયોજિત 18 મા સમૂહલગ્ન
પ્રથમ દિવસે પિતા વિહોણી 133 દીકરીઓના પગલાં માંડ્યા
90 ટકા કન્યા એવી છે કે એમના પિતા તો નથી અને ભાઈ પણ નથી
સુરતમાં પી.પી. સવાણી પરિવાર આયોજિત 18 મા સમૂહલગ્નના પ્રથમ દિવસે પિતાવિહોણી 133 દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતાં. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
સુરતમાં પી.પી.સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના ૧૮મા સમૂહલગ્ન કોયલડીના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કોયલડી સમાન પિતાવિહોણી 133 દીકરીઓના સમૂહલગ્નનો શ્રેષ્ઠ સાસુઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવોના હસ્તે સેવા સંગઠન એપ્લિકેશનનું લોન્ચિંગ કરાયું હતું. પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે આયોજિત લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રીએ પિતા વિહોણી દીકરીઓને આશીર્વાદ આપતા કહ્યું હતું કે, સવાણી પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા આ સમૂહલગ્ન એ માત્ર સામાજિક પ્રસંગ નથી, પરંતુ સંવેદના અને માનવતાનું સર્વોત્તમ ઉદાહરણ છે. આ પ્રેરક પહેલે અનેક સામાજિક સંસ્થાઓને દિશા આપી છે. કુદરતે આ દીકરીઓને કદાચ તેમના માતા-પિતાથી વિખૂટી પાડી હશે, પરંતુ ભગવાને પિતા તરીકે મહેશભાઈ સવાણીને મોકલીને આ દીકરીઓના ચહેરા પર ખુશી અને જીવનમાં નવો વિશ્વાસ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે
મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, કોયલડી લગ્ન 133 કન્યા પૈકી 90 ટકા કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ સાથે જ એમના ભાઈ પણ નથી. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય અને 17 જિલ્લાની 133 દીકરીઓ સાસરે જશે. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિકતા છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાધાન્ય આપીએ છીએ. આ વેળાએ લેખક, વિચારક શૈલેષભાઈ સગપરિયા લિખિત વલ્લભભાઈ સવાણીના જીવનચરિત્ર પરના પુસ્તક આરોહણ અને મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર પર ડો.જિતેન્દ્ર અઢિયાએ લખેલા પુસ્તક પ્રેરણામૂર્તિ અને લગ્ન થયેલી પિતાવિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક કોયલડીનું વિમોચન કરવામાં આવ્યું હતું.
