સુરત શહેરમાં પોલીસ-વેપારી સંવાદનું આયોજન
છેતરપિંડી અને આગના બનાવો સામે જાગૃતિ અભિયાન
કાર્યક્રમનો મુખ્ય હેતુ વેપારીઓને સુરક્ષા અંગે જાગૃત બનાવવો
સુરત શહેરમાં પોલીસ-વેપારી સંવાદનું ભવ્ય આયોજન કરાયુ હતુ જેમાં છેતરપિંડી અને આગના બનાવો સામે જાગૃતિ અભિયાનને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો.
સુરત શહેરના વિવિધ કાપડ માર્કેટ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વધતા છેતરપિંડીના બનાવો તેમજ ઉનાળાની ઋતુ દરમિયાન વારંવાર બનતા આગના બનાવોને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ દ્વારા વ્યાપક સ્તરે પોલીસ અને વેપારી સંવાદ કાર્યક્રમ સલાબતપુરા સિંગાપુરીની વાડીમાં યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વેપારીઓને સુરક્ષા અંગે જાગૃત બનાવવો, ગુનાખોરી સામે સાવચેત રાખવો અને આપત્તિજનક પરિસ્થિતિઓમાં યોગ્ય પ્રતિસાદ માટે તૈયાર કરવો હતો. આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ કાપડ માર્કેટ એસોસિએશનના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પોલીસ અધિકારીઓએ વર્તમાન સમયમાં વધતા ગુનાઓ અંગે વિગતવાર માહિતી આપી અને ખાસ કરીને વેપારીઓને નિશાન બનાવતી છેતરપિંડીની નવી પદ્ધતિઓ વિશે અવગત કર્યા હતાં.
