અરેઠ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ સામે અવિશ્વાસ પ્રસ્તાવ
8 સભ્યની બહુમતીથી દરખાસ્ત પસાર,
ગ્રામ પંચાયતનો વહીવટ યોગ્ય રીતે થતો નથી
સુરત જિલ્લાના અરેઠ તાલુકાની અરેઠ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ હીનાબેન સોલંકી વિરુદ્ધ મૂકવામાં આવેલો અવિશ્વાસનો બહુમતીથીપ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, ડેપ્યુટી સરપંચ સહિત આઠ સભ્યોએ આ પ્રસ્તાવને બહુમતીથી મંજૂરી આપી હતી. આ કાર્યવાહી દરમિયાન સરપંચ અને અન્ય બે સભ્યો ગેરહાજર રહ્યા હતા. આ અવિશ્વાસ પ્રસ્તાવ 29 નવેમ્બરના રોજ ડેપ્યુટી સરપંચ અને પંચાયતના સભ્યો દ્વારા મૂકવામાં આવ્યો હતો. સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે ગ્રામ પંચાયતનો વહીવટ યોગ્ય રીતે થતો નથી અને સરપંચના પતિનો વહીવટમાં વધુ હસ્તક્ષેપ રહે છે.
વધુમાં, સરપંચ મનસ્વી રીતે અને નીતિ-નિયમોની અવગણના કરીને નિર્ણયો લેતા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. પ્રસ્તાવમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ગામનાં વિકાસકાર્યો અંગે પંચાયતના અન્ય સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતાં નથી. સ્વભંડોળનાં નાણાં અને પંચાયતી મિલકતના દુરુપયોગના આક્ષેપો પણ પ્રસ્તાવમાં સામેલ જેના કારણે અરેઠ ગામનું રાજકીય વાતાવરણ ગરમાયું હતું. આજે સોમવારે ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રતિનિધિ અને તલાટી ક્રમ મંત્રી ધર્મેશભાઈ નારિયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી સરપંચ સત્યેન આર.યૌધરી સહિત સાત સભ્યોની બહુમતી મળતા અવિશ્વાસની દરખાસ્ત પાસ થઈ હતી. આ પ્રસ્તાવ પસાર થતા અરેઠ પંચાયતના તમામ સભ્યોએ ફૂલહારના તોરણથી વધામણા કર્યા હતા. રાજકીય આગેવાનો અને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યાં હતાં. ટૂંક સમયમાં ડેપ્યુટી સરપંચ સત્યેન રાકેશભાઈ ચૌધરી સરપંચ પદનો ચાર્જ સંભાળશે તેવી અપેક્ષા છે.
