મનપા દ્વારા પોંક-વડાના સ્ટોલોમાં તપાસ,
સુરત મનપા દ્વારા પોંક-વડા અને સેવના નમૂનાઓ સાથે કડક કાર્યવાહી
10 સ્થળોએ ચેકિંગ કરી પોંક-વડા અને સેવના નમૂનાઓ લેવાયા
સુરતીઓની શિયાળાની ઓળખ પોંક અને પોંક વડાની ઋતુ શરૂ થતા જ સુરત મહાનગર પાલિકા દ્વારા પોંક-વડાના કેન્દ્રો પર સપાટો બોલાવાયો હોય તેમ 10 સ્થળોએ ચેકિંગ કરી પોંક-વડા અને સેવના નમૂનાઓ લેવામાં આવ્યા હતાં.
સુરતની શિયાળાની આગવી ઓળખ સમાન પોંક અને પોંક-વડાની મજા માણતા સુરતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શિયાળાની ઋતુમાં શહેરના વિવિધ ઝોનમાં પોંક, પોંક-વડા અને સેવનું વેચાણ મોટા પાયે થઈ રહ્યું છે. ત્યારે શહેરીજનોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આજે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા દ્વારા અડાજણ પાટિયા, ઘોડદોડ રોડ અને તાપી રિવર ફ્રન્ટ પાસે આવેલા પ્રખ્યાત પોંક સ્ટોલ પર તપાસ હાથ ધરાઈ હતી. જેમાં મુખ્યત્વે અડાજણની શ્રી સાઈનાથ પોંકવાલા સ્ટોલ, ઘોડદોડ રોડની શ્રી રામ, દત્તાત્રેય, સાઈનાથ અને શ્રી જય અંબે પોંક વડા, તાપી રિવર ફ્રન્ટની નવી જનતા, સાઈ આનંદ, સત્કાર અને દત્તાત્રેય પોંકવડા, રૂસ્તમપુરાની શ્રી જય અંબે પોંક વડા સહિતનાઓનો સમાવેશ થાય છે..
