કામરેજમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જૈન મુનિઓના આશીર્વાદ લીધા
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા
કાર્યક્રમ જૈન સમાજની ધાર્મિક ભાવનાઓ અને ગૃહમંત્રીની શ્રદ્ધાનું પ્રતીક બન્યો
કામરેજ: શ્રી વર્ધમાન સ્થાનિક વાસી જૈન શ્રાવક સંઘ, કામરેજ દ્વારા એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. સંઘના પ્રમુખ શ્રી મુકેશભાઈ કોઠારી અને જૈન સમાજના અગ્રણીઓએ કામરેજ વિસ્તારના સમગ્ર જૈન સમાજ વતી ગૃહમંત્રીને આ કાર્યક્રમમાં જોડાવા માટે ભાવભરી વિનંતી કરી હતી, જેને માન આપીને તેઓ અહીં પધાર્યા હતા.
આ મુલાકાત દરમિયાન, ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી બસેરા સોસાયટીમાં આવેલા મહાવીર ભવન ખાતે ગયા હતા. આ સ્થળે ચાતુર્માસ ૨૦૨૫ નિમિત્તે બિરાજમાન પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વિનયમુનિજી મ.સા. અને પરમ પૂજ્ય શ્રી ગૌતમમુનિજી મ.સા. આદિ ઠાણા-૫ ના દર્શન કરીને તેમણે આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુદેવે મંગલપાઠ કરીને ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને આશીર્વાદ આપ્યા હતા અને તેમનો કાર્યકાળ યશસ્વી, સફળ અને રાષ્ટ્ર તથા દેશના હિતમાં અત્યંત ઉપયોગી નીવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ જૈન સમાજની ધાર્મિક ભાવનાઓ અને ગૃહમંત્રીની શ્રદ્ધાનું પ્રતીક બન્યો હતો
