રાજકોટમાં હોટેલ સંચાલક પર હુમલો કરનારાનો વરઘોડો
રાજકોટ ક્રાઇમ બ્રાંચે હુમલો કરનારા 3 આરોપીને ઝડપી લીધા
આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું
રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 16 મી ડિસેમ્બરના રોજ બેડી ચોકડી પાસે આવેલી દાળ પકવાનની દુકાન ખાતે હિસ્ટ્રી શીટર ભુપત બાબુતર ઉર્ફે ભુપત ભરવાડના ભત્રીજાઓ સહિતના વ્યક્તિઓ દ્વારા લોખંડના પાઇપ સહિતના હથિયારો વડે વિપુલ વડેચા નામના વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
રાજકોટમાં હોટલ સંચાલક ઉપર હુમલો કરવાની ઘટનાના 20 દિવસ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હિસ્ટ્રી શીટર ભુપત બાબૂતર ઉર્ફે ભુપત ભરવાડના ભત્રીજા દેવશી બાબુતર, શ્યામ બાબુતર તેમજ કિશન સરસિયા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ ઘટના સ્થળે દોરડાથી બાંધીને લઈ જઈ રી કન્સ્ટ્રક્શન પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા ગુનાના કામે લોખંડના પાઇપ તેમજ ફોર્ચ્યુનર કાર પણ કબજે કરવામાં આવી છે,
દાળ પકવાનના વ્યવસાય સાથે સંકળાયેલા વિપુલ વડેચા દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે 17 મી ડિસેમ્બરના રોજ બીએનએસની કલમ 117(2), 189 (2), 191 (2), 191 (3), 190, 115 (2), 352, 190 સહિતની કલમ અંતર્ગત ફોર્ચ્યુંનર કારના ચાલક દેવશી બાબુતર અને અજાણ્યા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે વિપુલ વડેચા નામના વ્યક્તિને હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા પણ પહોંચી હતી. ત્યારે ભોગ બનનાર તેમજ તેના પરિવારજનો દ્વારા શહેર પોલીસ કમિશનરને આરોપીઓને ઝડપી પાડવા બાબતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જેથી સમગ્ર મામલાની તપાસ કુવાડવા રોડ પોલીસ પાસેથી આંચકીને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. તેમજ ગુનાના કામે પોલીસે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરવા બાબતે કોર્ટમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
