આણંદમાં નકલી સોનાના દાગીનાથી ગોલ્ડ લોન કૌભાંડનો પર્દાફાશ
પીપળાવ બેંક ઓફ બરોડાની શાખામાં નકલી સોના પર લોન
વર્ષોથી બેંક સાથે વેલ્યુઅરનું કામ કરતાં નડિયાદનો સોની જ મુખ્ય આરોપી
આણંદના પીપળાવ ગામે આવેલી બેંક ઓફ બરોડામાં બનાવટી સોનું ગીરો મૂકીને રૂપિયા 31.55 લાખની રકમ લોન તરીકે લેવાનું કૌભાંડ બહાર આવવાના બનાવમાં વધુ એક શખસની સંડોવણી ખુલી છે. આ શખસ દ્વારા ડમી સોનું લાવી આપવામાં આવતું હોવાનું પકડાયેલા આરોપીની કબુલાતમાં ખૂલ્યું છે.
આણંદના પીપળાવ ગામે આવેલી બેંક ઓફ બરોડામાં પાંચ છ મહિના અગાઉ ગામમાં રહેતા શખસે પાંચથી છ ઈસમના નામે બનાવટી સોનું બેંકમાં ગીરો મૂકી તેના પર રૂપિયા 31.55 લાખની રકમની લોન લીધી હતી. દરમિયાન બેંકમાં ઓડિટ કરતા બેંકમાં લોનની અવેજમાં ગીરો મૂકેલું સોનું બનાવટી હોવાની વિગતો ખુલી હતી. જેથી બેંકના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા અને તપાસ કરી હતી. જેમાં ભગુ કાંતિભાઈ ગોહેલ, દીપેશ પ્રભાત પરમાર, વિપુલ રાયસંગ પરમાર, દિનેશ ભીખા પરમાર, અજય મેલા પરમાર, કનુ રામા પરમાર, અરવિંદ ગાંડા પરમારના નામે સોજિત્રાના કાસોર ખાતે રહેતા અને બેંકમાં બેંક મિત્ર તરીકે કામ કરતા મિતેષ પરમાર નામના યુવકે ડમી સોનું આપીને લોન લીધી હતી.
આરોપી મિતેષ પરમાર નામના યુવકે તમામના ખાતામાં શખસે લોનના પૈસા નાંખ્યા હતા અને પૈસા તેણે વાપરી લીધા હતા. જોકે, જે સોના પર તેણે લોન લીધી હતી તે સોનું કોણ લાવી આપતું હતું તેની પૂછપરછ કરતા તારાપુરના મુરલી ભરવાડ નામના શખસની સંડોવણી ખુલી હતી. આ શખસ દ્વારા જ ડમી સોનું લાવી બેંકમાં આપીને અલગ-અલગ સમય દરમિયાન રૂપિયા 31.55 લાખની ગોલ્ડ લોન લઈ લીધી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સમગ્ર ઘટનામાં મુરલી ભરવાડને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની પણ સઘન પૂછપરછ કરાઈ રહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
