કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે માછીમારોને પણ ભારે નુકસાન
સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરતા માછીમારોમાં નારાજગી
સાગરખેડૂતોએ ખેડૂતોની જેમ જ રાહત પેકેજ આપવાની માંગ કરી
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, આ પેકેજમાં માછીમારોને બાકાત રાખવામાં આવતા અમરેલીના જાફરાબાદ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાગરખેડૂતોએ સરકાર સમક્ષ ખેડૂતોની જેમ જ રાહત પેકેજ આપવાની માંગ કરી છે
અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર પર મોટી સંખ્યામાં માછીમારો વસવાટ કરે છે અને તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે સૂકવેલી માછલીઓમાં જીવાત પડી જતાં તેને ફેંકી દેવાની ફરજ પડી છે. ભારેથી અતિભારે વરસાદના કારણે ધરતીપુત્રોની સાથે સાગરખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે. જાફરાબાદના માછીમાર આગેવાનએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 10 હજાર કરોડનું પેકેજ જાહેર કરાયું છે. માછીમારો ત્રણ દિવસ સુધી માછલી સૂકવીને વેચે છે, પરંતુ વરસાદને કારણે જીવાત પડતાં તેને ફેંકી દેવી પડે છે. એક એક માછીમારને ઓછામાં ઓછું 1 લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે, અને જાફરાબાદમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
કેન્દ્ર સરકારે અમને ‘સાગર ખેડૂત’ બનાવ્યા છે, તો ગુજરાત સરકારે પણ ખેડૂતોની જેમ સાગર ખેડૂતોને ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ સમાન રાહત આપવી જોઈએ. જ્યારે સરકાર દરિયામાંથી પરત બોલાવે ત્યારે અમે તરત જ બોટ પરત લાવીએ છીએ, જેમાં અમારું ડીઝલ બળે છે. માછીમારોને જીવતા રાખવા માટે સરકારે કોઈક પેકેજ આપવું અત્યંત જરૂરી છે.અન્ય માછીમાર આગેવાન બશીરભાઈએ સરકારને વિનંતી કરતા જણાવ્યું કે, અમે વીસ વીસ વર્ષથી ભાજપ સરકારને મતદાન કરીએ છીએ અને તેમની સાથે છીએ. ડીઝલ માટે ચાર-પાંચ વખત ટોકન બંધ કરવામાં આવ્યા છે, જ્યારે અમને ૩૦૦ થી ૪૦૦ લિટર ડીઝલની જરૂર પડે છે. જાફરાબાદ એક જ ટોકનનું પાલન કરે છે. સાગરખેડૂતોને પણ ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ સમાન સહાય મળવી જોઈએ….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
