બારડોલીમાં કરોડોના દારૂ પર બુલડોઝર
પોલીસે રૂપિયા 1.94 કરોડનો ગેરકાયદેસર જથ્થો નષ્ટ કર્યો
બારડોલીમાં મંગળવારે સવારે પોલીસ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોમાં જપ્ત કરાયેલા રૂપિયા1.94 કરોડના ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં બારડોલી ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલી 93,000થી વધુ દારૂની બોટલો પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી મંગળવારે સવારે બારડોલી તાલુકાના કીકવાડ ગામ પાસેના જૂના રોડ પર હાથ ધરવામાં આવી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રાંત અધિકારી ડે.કલેકટર જિગ્ના પરમાર,વિભાગીય ડીવાયએસપી એચ એલ રાઠોડ, પી આઈ વી એ દેસાઈ, પી આઈ પી એન જાડેજા, આબકારી અધિકારી, મામલતદાર અને ફાયર તથા એમ્બ્યુલન્સ સેવા ટીમ આવી પહોંચી હતી. તમામ ની હાજરી માં આ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021 થી 2025 દરમિયાન નોંધાયેલા 405 પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલી કુલ 83,231 બોટલો અને બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 માં નોંધાયેલા 52 ગુનાઓમાં જપ્તકરાયેલી 10,153 બોટલોનો સમાવેશ થાય છે. આમ, બંને પોલીસ સ્ટેશનો દ્વારા કુલ 457 ગુનાઓમાં પકડાયેલા ₹1,94,03,755 ની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો…
