ભાજપ સાંસદ દેવુસિંહ ચૌહાણ નિવેદનને લઈ વિવાદ થતા ખુલાસો.
પોતાના નિવેદનનું યોગ્ય અર્થઘટન કરવા કરી વાત.
આસ્થાના કેન્દ્રો અને ગ્રંથોનું અલ્પજ્ઞાનથી મનઘડંત અર્થઘટન
ખેડાના ભાજપના સાંસદ દેવુસિંહે બ્રાહ્મણ સમાજ સામે આપેલા એક નિવેદનનો વીડિયો વાયરલ થયો હતો.આ વીડિયોમાં તેઓ ગીતા અને વેદ સહિત કર્મકાંડની વાતો કરીને બીજી દિશામાં લઈ જવાય છે તેવું કહી રહ્યા છે.તેમના આ નિવેદન સામે બ્રહ્મ સમાજ રોષે ભરાયો હતો. બ્રહ્મ સમાજે દેવુસિંહ ચૌહાણ માફી માગે નહીં તો ફરિયાદ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. ત્યાર બાદ દેવુસિંહ ચૌહાણે એક વીડિયો મારફતે ખુલાસો કર્યો હતો.
બ્રહ્મ સમાજે ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ માફી માગે નહીં તો ફરિયાદ કરાશે તેવી ચીમકી ઉચ્ચારતા દેવુસિંહ ચૌહાણે એક વીડિયો મારફતે ખુલાસો કરતાં કહ્યું હતું કે, કાર્યક્રમમાં લોકોને સમજણ આપવા માટે બોલ્યો હતો. અલ્પ જ્ઞાન દ્વારા વેદ અને શાસ્ત્રની ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. મન ઘડંત અર્થઘટન કરીને કેટલાક લોકો સ્વાર્થ સાધી રહ્યા છે. સનાતન ધર્મને નુકસાન ના થાય તેવા મારા પ્રયાસો છે. લોકોને સાચા અર્થમાં જ્ઞાન મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. હું સમાજના તમામ વર્ગનો આદર કરૂ છું.
સાંસદ દેવુસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં ગીતા અને વેદ સહિત કર્મકાંડની વાતો કરીને બીજી દિશામાં લઈ જવાય છે તેવું નિવેદન આપ્યું હતું. આમ કહીને તેમણે આડકતરી રીતે બ્રહ્મ સમાજ સામે ટાર્ગેટ કર્યો હતો. ત્યાર બાદ બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલ અને અશ્વિન ત્રિવેદીએ તેમને માફી માગવા કહ્યું હતું. તેઓ સનાતન ધર્મના નામે ચૂંટાયા છે. તેમણે હિન્દુઓના મત લઈને ખોટો વાણી વિલાસ કર્યો છે. જેથી આ નિવેદન ચલાવી નહીં લેવાય. તેમણે માફી માગવી પડશે નહીં તો ફરિયાદ કરાશે. બ્રહ્મ સમાજ રોષે ભરાયા બાદ દેવુસિંહે એક વીડિયો મારફતે ખુલાસો કર્યો હતો.
