ભાવનગર ખંભાતના અખાતમાં દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ
દરિયાઈ પુલ બનાવવાની કેન્દ્ર સરકારે કવાયત તેજ કરી.
આશરે 30 કિલોમીટર લાંબા સી-બ્રિજ માટે DPR તૈયાર
કેન્દ્ર સરકારે ગુજરાતના વિકાસને રોકેટ ગતિ આપવા માટે એક ખૂબ જ મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપી છે. દુનિયાનો સૌથી ઊંચો ચિનાબ બ્રિજ સફળતાપૂર્વક બનાવ્યા બાદ, હવે કેન્દ્ર સરકાર ખંભાતના અખાત પર ભારતનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ બનાવવા જઈ રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયથી ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવો અધ્યાય જોડાશે. ખંભાતના અખાત પર ભારતનો સૌથી લાંબો પુલ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખંભાતના અખાત પર ૩૦ કિલોમીટર લાંબો ભવ્ય દરિયાઈ પુલ બનાવવામાં આવશે. આ બ્રિજ માત્ર ઈજનેરી કૌશલ્યનો નમૂનો નહીં હોય, પરંતુ તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી એક મજબૂત કડી સાબિત થશે. વર્ષોથી લોકો જે સુવિધાની રાહ જોઈ રહ્યા હતા, તે સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે. આ બ્રિજ બની ગયા બાદ સૌથી મોટો ફાયદો મુસાફરો અને વાહનચાલકોને સમયની બચતમાં થશે. હાલમાં ભાવનગરથી ભરૂચ જવા માટે રોડ માર્ગે લાંબો ફેરો કરવો પડે છે, જેમાં અંદાજે ૭ થી ૮ કલાક જેટલો લાંબો સમય વેડફાય છે. પરંતુ આ નવો દરિયાઈ બ્રિજ બનવાથી ભાવનગરથી ભરૂચની મુસાફરીનો સમય ૭-૮ કલાકથી ઘટીને માત્ર ૪૫ મિનિટનો થઈ જશે! હા, બ્રિજ બની ગયા બાદ ભાવનગરથી ભરૂચનું અંતર માત્ર ૪૫ મિનિટમાં જ કાપી શકાશે, જેનાથી કરોડો રૂપિયાના ઈંધણની પણ બચત થશે.
આ ૩૦ કિલોમીટર લાંબો દરિયાઈ બ્રિજ બનવાથી ગુજરાતના વેપાર, ઉદ્યોગ અને પર્યટનને ખૂબ જ મોટો વેગ મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લાખો લોકોને વર્ષોની ટ્રાફિક અને લાંબા અંતરની મુશ્કેલીઓમાંથી કાયમી મુક્તિ મળશે. ઉદ્યોગો માટે માલસામાનની હેરફેર ઝડપી બનશે, જેથી પ્રોડક્ટિવિટી વધશે. આ ઉપરાંત, દરિયાઈ પ્રવાસનને પણ આનાથી ભારે પ્રોત્સાહન મળશે, જેના કારણે સ્થાનિક રોજગારીની નવી તકો ઉભી થશે. આ પ્રોજેક્ટ માત્ર બે શહેરો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનું કનેક્ટિવિટી નેટવર્ક ઘણું મોટું છે. આ નવી કનેક્ટિવિટી જામનગર-ભાવનગર-ભરૂચ હાઈ-સ્પીડ કોરિડોરનો મુખ્ય ભાગ બનશે. આ હાઈ-સ્પીડ કોરિડોર કાર્યરત થતાં જ સમગ્ર ગુજરાતના આર્થિક વિકાસને એક નવી ઊંચાઈ મળશે. કેન્દ્ર સરકારની આ યોજના આવનારા સમયમાં ભારતની પ્રગતિનું મોડેલ બનવા જઈ રહી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
