ગુજરાતમાં પાક નુકસાન અંગે ભારતીય કિસાન સંઘનો વિરોધ.
ભારતીય કિસાન સંઘના મહામંત્રીએ નોંધાવ્યો વિરોધ.
વર્ષ 2016 અને 2018 દરમિયાન પણ આવી પરિસ્થિતિ સર્જાય હતી
રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મગફળી, કપાસ, તલ, મકાઇ અને અડદના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બગડ્યો છે અને ખેડૂતો ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે. ત્યારે પાક નુકસાન અંગે ભારતીય કિસાન સંઘએ વિરોધ નોંધાવ્યો છે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાક નુકસાનની સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરાયો છે અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતના હિતમાં કોઈપણ પ્રકારની કમી નહીં રહે. સરકાર ખેડૂતના પડખે ઉભી છે, અને સર્વે રિપોર્ટના આધારે યોગ્ય સહાય જાહેર થશે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. એક તરફ સરકાર અને સંસ્થાઓ ખેડૂતોને સહાય આપવાની ખાતરી આપી રહી છે, તો બીજી તરફ ખેતરમાં ઉભેલા પાકની હાલત જોઈને ખેડૂતોમાં ચિંતા પણ છે. હવે ખેડૂતોની નજર રાજ્ય સરકારની સહાય જાહેરાત પર છે, જે આગામી દિવસોમાં આવી શકે છે. ત્યારે ભારતીય ખેડૂત સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે.પટેલે જણાવ્યું કે, વર્ષ 2016 અને 2018 દરમિયાન પણ આવી પરિસ્થિતિ સર્જાતાં સરકારે ખેડૂતોને મદદરૂપ થવા સહાય આપી હતી. આ વખતે પણ ખેડૂતોના વીમા દાવા ઝડપથી ચુકવાય અને વહીવટી તંત્ર સમયસર સર્વે કરી વાસ્તવિક નુકસાનનો આંક મેળવશે તો ખેડૂતને મોટો ફાયદો થશે
પાક નુકસાન અંગે ભારતીય કિસાન સંઘે વિરોધ કરતા જણાવ્યું હતું કે લગભગ 28 જિલ્લાઓમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખાસ કરીને મગફળીના પાકમાં ભારે નુકસાન નોંધાયું છે. સંઘે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે સહાય અને વીમા દાવાની પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવે જેથી ખેડૂતને તાત્કાલિક રાહત મળે. કૃષિ અધિકારીના જણાવ્યાનુસાર જિલ્લામાં 2.90 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થાય છે. જેમાં 1,02,954 હેક્ટર જમીનમાં દીવેલાની વાવણી કરાય છે. તેવી જ રીતે,મગફળી-24,727 હેક્ટર, ઘાસચારો-79,000 હેક્ટર અને અન્ય પાક મગ, મઠ, અડદ અને તુવેર પાકની વાવણી 20,000 હેક્ટર જમીનમાં કરવામાં આવે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
