બારડોલીમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
મોટી સંખ્યામાં નાગરિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
બારડોલી વિધાનસભા બેઠક પર ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મુદ્દા પર એક પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું રાજપૂત સમાજની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બારડોલીમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીના મુદ્દા પર એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન પ્રસંગે શીતલબેન સોનીએ મુખ્ય વક્તા તરીકે પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું અને ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ પહેલના ફાયદા અને તેના અમલીકરણ સંબંધિત વિવિધ પાસાઓ પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. આ સંમેલનમાં અનેક અગ્રણી રાજકીય અને સામાજિક નેતાઓ પણ હાજર રહ્યા હતા, જેમાંપ્રદેશ સહ સંયોજક જગદીશ પારેખ. જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક અને રાજેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં વિવિધ હોદ્દેદારો, પદાધિકારીઓ, અને 169 વિધાનસભા બેઠકમાં આવતા તમામ વોર્ડના પ્રમુખો તથા આગેવાનો સહિત ખૂબ મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી હતી. આ પહેલ પર જનજાગૃતિ લાવવા અને તેના પર વ્યાપક ચર્ચા કરવાના ઉદ્દેશ્યથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું..
