ઓલપાડ તા.પ્રા. ટીચર ક્રેડિટ કો.ઓ. સોસાયટીએ સ્થાપનાના 100વર્ષ
સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતાં શતાબ્દી મહોત્સવ ઉજવાયો
ઓલપાડ તાલુકા.પ્રાથમિક ટીચર ક્રેડિટ કો.ઓ. સોસાયટીની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરતાં તેના શતાબ્દી મહોત્સવની ઉજવણી રાજ્યના પૂર્વમંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. આ પ્રસંગે સોસાયટીને પ્રગતિના પંથે લઈ જઈ વિકાસ યાત્રામાં યોગદાન આપનારા હોદ્દેદારોનું મહાનુભાવોના હસ્તે મોમેન્ટો,પુષ્પથી સન્માન કરી શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું.
આ સમારોહ પ્રસંગે સોસાયટીમાં છેલ્લા 21 વર્ષથી અવિરતપણે પ્રમુખપદે સેવા આપી રહેલ સ્યાદલા ગામના શિક્ષક અને ગુ.રા.શિ. સંઘના ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલે કહ્યું કે,દેશની આઝાદી પૂર્વે તા.21/12/1925 માં ભૂતપૂર્વ ગુરૂજનોએ સ્થાપેલ આ સોસાયટીમાં હાલ 610 સભાસદો છે. મંડળી પાસે 2 કરોડ નું શેરભંડોળ અને 9 લાખની બચત થાપણ સાથે મંડળીનું વાર્ષિક ટર્ન ઓવર 16 કરોડ છે. મંડળી સભાસદના કુદરતી મૃત્યુથી 5 લાખની સહાય ઉપરાંત જો અકસ્માતથી મૃત્યુ થાય તો વધુ 5 લાખ મળી કુલ 10 લાખની સહાય પરિવાર જનોને કરી માનવતાનું કામ કરી રહી છે. જયારે વટવૃક્ષ બની ચૂકેલ આ મંડળી સભાસદોને વાર્ષિક 6.50 ટકા વ્યાજના દરે 8.50 લાખ સુધીનું વિવિધ ધિરાણ આપી રહી છે.
આ પ્રસંગે પૂર્વમંત્રી મુકેશ પટેલે મંડળીના સ્થાપકોની સ્મૃતિને તાજી કરી સૌ સ્થાપકોને વંદન કરી જણાવ્યું હતું કે, મારા સ્વ.પિતાજી પણ શિક્ષક હોવાના નાતે આ મંડળીની સ્થાપના માં સિંહફાળો રહ્યો હોવાથી આજે જયારે મંડળી મારા જ અધ્યક્ષસ્થાને શતાબ્દી મહોત્સવ ઉજવી રહી છે, ત્યારે મારા અહોભાગ્યની આ ઘડી મારા જીવનની ધન્યતા સાથે યાદગાર બની છે.તેમણે મંડળી ને પ્રગતિના પંથે લઈ જનારા સૌને બિરદાવી અભિનંદન આપ્યા હતાં. જયારે ઘી પુરૂષોત્તમ ફાર્મર્સ કોટન મંડળીના પ્રમુખ મનહર પટેલે મંડળીની ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છા આપી ગુરૂજનોને વંદન કરી અભિનંદન સાથે કહ્યું કે, ગુજરાત સરકારની શિક્ષણ વ્યવસ્થા અને તમોએ બાળકોમાં સિંચેલા સુસંસ્કારોના કારણે અન્ય રાજ્યો ની સરખામણીમાં આપણા શિક્ષિત ગુજરાતમાં નકસલ અને આંતકવાદ પ્રવૃતિઓ નહીંવત છે.
