સુરતમાં વધતી મોંઘવારી સામે આમ આદમી પાર્ટીનો વિરોધ
પેટ્રોલ-ડીઝલ, દૂધ અને ગેસના ભાવવધારા મુદ્દે દેખાવો
મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ કલેક્ટરાલય પહોંચ્યા
સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવાયું
સુરતમાં વધતી મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી હવે રસ્તા પર ઉતરી છે. પેટ્રોલ-ડીઝલ, દૂધ અને ગેસના સતત વધી રહેલા ભાવ સામે આપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો હતો. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓએ કલેક્ટરાલયે પહોંચી આવેદનપત્ર આપી સરકાર સુધી લોકોની વ્યથા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
દેશભરમાં વધી રહેલી મોંઘવારીને લઈને સામાન્ય જનતા પર આર્થિક બોજ સતત વધી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા પરિવહન ખર્ચ વધ્યો છે, જ્યારે દૂધ અને ગેસના વધતા ભાવને કારણે ઘરખર્ચમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આ મુદ્દે હવે આમ આદમી પાર્ટી સુરત દ્વારા વિરોધ કરાયો હતો. સુરતમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. સાથે જ શાંતિપૂર્ણ રીતે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન પણ કર્યુ હતું. આમ આદમી પાર્ટી દ્વારા સરકારને વધતી મોંઘવારી પર નિયંત્રણ લાવવા માંગ કરાઈ હતી. આ વિરોધ કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે લોકોના પ્રશ્નોને ઉઠાવ્યા હતાં. અને સામાન્ય નાગરિકોને રાહત મળે તેવી માંગ પણ કરી હતી.
