સુરતના પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ
માખીગા ગામે શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં લાગી આગ
આગ પ્રસરતા કેમિકલ ભરેલું ટેન્કર પણ સળગી ગયું
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માખીગા ગામમાં આવેલી બાલાજી કેમિકલ કંપનીમાં સવારે 10:30 વાગ્યે ભીષણ આગ લાગી. આ ઘટનામાં એક કર્મચારી ઘાયલ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના માખીગા ગામમાં લાગેલી આગમાં પ્રાથમિક માહિતી મુજબ કેમિકલ ભરેલું ટેન્કર ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે કંપની પરિસરમાં ઉભેલો એક ટેમ્પો પણ તેની ઝપેટમાં આવી ગયો હતો.આ ઘટનામાં 35 વર્ષીય કર્મચારી રાજન બી. રાવત ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક પલસાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગની જાણ થતાં જ કડોદરા PEPL, નવસારી, સચિન હોજીવાળા, બારડોલી, ERC કામરેજ તેમજ સુરત મહાનગરપાલિકા સહિતના વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટર્સ દ્વારા ફોમ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી.
કેમિકલ કંપનીમાં આગ લાગી હોવાથી કાળો અને વિકરાળ ધુમાડો દૂર દૂર સુધી દેખાઈ રહ્યો હતો, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના સ્થળે પલસાણા મામલતદાર અને પોલીસનો મોટો કાફલો પણ હાજર રહીને પરિસ્થિતિ પર નજર રાખી હતી…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
