અરવલ્લીમાં સગીરનો મહુડાના ઝાડની ડાળી સાથે ફાંસો
પોલીસની ભારે સમજાવટ બાદ કલાકો પછી લાશને ઉતારી
મેઘરજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા ડુંડવાળા ગામની સીમમાં એક સગીરની લાશ મહુડાના ઝાડની ડાળી સાથે ફાંસો ખાધેલી હાલતમાં વહેલી સવારે મળી આવ્યા બાદ સ્થાનિક પોલીસની ભારે સમજાવટ બાદ કલાકો પછી લાશને ઝાડ પરથી ઉતારી પીએમ માટે મોકલી અપાઈ હતી
શનિવાર ની વહેલી સવારે ટ્યુશન માટે પોતાના ઘરેથી બાઈક લઈને મેઘરજ તરફ નીકળેલા 16 વર્ષીય સગીરની લાશ લટકતી હાલતમાં જણાઈ આવતા રાહદારીઓએ મૃતકના પરિવાર અને મેઘરજ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી મેઘરજ પોલીસે મૃતકની લાશ ઝાડ ઉપરથી નીચે ઉતરાવવા પરિવારને સમજાવવા કોશિશ કરી હતી. પરંતુ પરિવારજનોએ આ મામલે અનેક શંકા કરી જ્યાં સુધી ડોગ સ્કવોડ ન આવે ત્યાં સુધી લાશ ઉતારવાની ના પાડી હતી. કલાકો વીત્યા બાદ ડોગ સ્કવોડ આવ્યા પછી ડીવાયએસપી સહીતના પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ લાશને ઝાડ પરથી ઉતરાવી પીએમ માટે મેઘરજ ના સરકારી દવાખાને મોકલી આપી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ડુંડવાળા ગામ નો 16 વર્ષીય રમેશભાઈ લક્ષમણભાઈ હોવાનું બહાર આવ્યું હતું, જયારે મૃતકની ટ્યુશન બેગ ઘટના સ્થળથી દૂર ખેતરમાંથી મળી આવી હતી, બનાવ અંગે મેઘરજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે….
