અમદાવાદના દરિયાપુરમાં ચોરીની વિચિત્ર ઘટના

Featured Video Play Icon
Spread the love

અમદાવાદના દરિયાપુરમાં ચોરીની વિચિત્ર ઘટના
45 વર્ષીય શ્રેય પંચાલે પોતાના જ મિત્રના ઘરમાંથી ચોરી કરી
શ્રેય પંચાલે મિત્ર નીરવ પ્રજાપતિના ઘરમાંથી 23 લાખની ચોરી કરી

અમદાવાદ શહેરના દરિયાપુરમાં વિચિત્ર પ્રકારની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, એક પરિચીત યુવકે મિત્રના ત્યાં વાસ્તુમાં જવાના બદલે જુના ઘરમાં જઇને 23 લાખની ચોરીને અંજામ આપ્યો.

અમદાવાદ શહેરના દરિયાપુરમાં આરોપીને દેવુ થઇ જતા તેણે 23 લાખની ચોરી કરી હતી, જોકે દરિયાપુર પોલીસે 100 જેટલા કેમેરા તપાસીને આ ચોરને ઝડપી પાડી તપાસ તેજ કરી છે. દ્રશ્યોમાં દેખાતો આ શખ્સ છે 45 વર્ષીય શ્રેય પંચાલ, શ્રેય પંચાલ ચોરીના આરોપમાં પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે, છ માસથી બેકાર રહેતા શ્રેયએ તેના જ મિત્ર નીરવભાઇ પ્રજાપતિના દરિયાપુર ખાતેના ઘરે ચોરી કરી હતી. નીરવભાઇ દરિયાપુરના નિવાસ્થાનને તાળું મારીને 22 નવેમ્બરના રોજ જગતપુર ખાતે નવું મકાન રાખ્યું હોવાથી વાસ્તુ પ્રસંગ માટે બે દિવસ માટે ગયા હતા. 24મીએ જ્યારે ઘરે આવ્યા ત્યારે દરવાજાનું લોક ખુલ્લું હતું. તેમણે અંદર જઇ ચેક કરતા તેમના ડ્રોઅરમાં પડેલા 12 લાખ રોકડા ગુમ હતા. તેમ જ સોના-ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ પણ ગુમ હતી. દરિયાપુર પોલીસને જાણ કરાતા પોલીસે 23.10 લાખની મતા ચોરી થવા મામલે તપાસ હાથ ધરી હતી, જેમાં 100થી વધુ ફુટેજ તપાસીને આ ચોરને ઝડપી લેવાયો છે.

પોલીસે જે 100થી વધુ સીસીટીવી તપાસ્યા તેમાં એક વાહનનો નંબર અને ટીશર્ટ પોલીસને આરોપી શ્રેય પંચાલ સુધી લઇ ગયો હતો. આરોપી શ્રેયની પૂછપરછમાં સામે આવ્યુ છે કે તે નીરવભાઇનો પરિચિત મિત્ર છે અને ચાર વર્ષ પહેલા આ ઘરમાં કોઇ વ્યક્તિ પાસે ઇન્ટિરીયર ડિઝાઇનનું કામ કરાવ્યુ હોવાથી તે તમામ બાબતોથી વાકેફ હતો, તેને આમંત્રણ મળતા ઘર બંધ હશે તેવું માનીને તેણે બંધ ઘરમાં સ્લાઇડર વાળી બારીમાંથી ઘુસીને ચોરીને અંજામ આપ્યો હતો. આરોપી શ્રેય લાંબા સમયથી બેકાર હોવાથી તેને દેવુ થઇ જતા તેણે ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ત્યારે રોકડા રૂપિયા તેણે કોને આપ્યા અને દાગીના રિકવર કરવા બાબતે પોલીસે તપાસ તેજ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *