વડોદરા રેલવે પોલીસની ગોધરાની ‘સિગ્નલ ફળીયા ગેંગ’ સામે કાર્યવાહી
દસ વર્ષથી ચાલતી ગેંગ સામે ગુજસીટોક હેઠળ મોટી કાર્યવાહી કરી
છેલ્લા દસ વર્ષથી સક્રિય આ ગેંગે 31 જેટલા ગંભીર ગુનાઓ આચર્યા છે
29 ગુના ગુજસીટોકની વ્યાખ્યામાં આવતા હોવાથી 6 સભ્યો સામે પગલાં
વડોદરામાં રેલવે પોલીસના ઇતિહાસમાં પહેલીવાર ગુજસીટોકનું હથિયાર ઊગવામાં આવ્યું છે. રેલવે પોલીસે ગોધરાની નામચીન સિગ્નલ ફળીયા ગેંગ સામે તાજેતરમાં મોટી કાર્યવાહી કરી છે.
વડોદરામાં છેલ્લા દસ વર્ષથી ચાલતી ગોધરાની નામચીન સિગ્નલ ફળીયા ગેંગે 31 ગુના આચર્યા હોવાની માહિતી સામે આવી છે. જેમાંથી 29 ગુના ગુજસીટોકની વ્યાખ્યામાં આવતા હોવાથી 6 સભ્યો પર કડક પગલાં લેવાયા છે. ટ્રેનનું સિગ્નલ તોડવું, બે કોચ વચ્ચેનો વાલ્વ ખોલીને ટ્રેન ધીમી પાડવી, પેસેન્જર અને ગુડ્સ ટ્રેનને ટાર્ગેટ કરવા જેવી ગંભીર પ્રવૃત્તિઓ આ ગેંગ કરતી હતી. ગોધરા રેલવે પોલીસ મથકમાં 10 ઑક્ટોબર 2025 ના રોજ આ મામલે ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ 13 ઑક્ટોબરે સુલતાન અને ફરદીનને LCBએ પકડી લીધા હતા. જ્યારે 15 ઑક્ટોબર, 2025ના રોજ હસન અને હુસેન વડોદરા મધ્યસ્થ જેલમાંથી તેઓને પણ કસ્ટડીમાં લેવા કાર્યવાહી શરૂ કરી હતી. ગેંગના અન્ય બે સભ્યો ઈમરાન નિશાર ખાલપા અને યાસીન સલીમ શેખ હજુ ફરાર છે અને તેમને પકડવા અલગથી ટીમો કામ કરી રહી છે. આ ગેંગ દાહોદથી વડોદરા વચ્ચેની ટ્રેનો પર નજર રાખતી હતી. ખાસ કરીને વડોદરા ગોધરા રેન્જમાં તેઓ વધુ સક્રિય હતા.
ગુજરાત પોલિસની GUJCTOC ની કાર્યવાહી થઈ તે પહેલા આ ગેંગે અંગાડી સ્ટેશન પર લૂંટ કરી હતી. જેમાં ગેંગ અંગાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેકી કરતા અને ગેંગનો એક સભ્ય ટ્રેનમાં રહેતો અને જ્યાં ટ્રેન ઉભી રખાવતા ત્યાં બાકીના ગેંગના સભ્યો ઊભા રહેતા. પોલીસે ટેક્નિકલ સોર્સ ઉભા કરીને લોકેશન ટ્રેસ કરીને આ ગેંગ સુધી પહોંચવાનું કામ કર્યું. હુસેન દરવાજાના સીલ અને લોક તોડી વેગન ખોલવામાં જ્યારે બીજા સભ્યો લૂંટ અને ચોરી માટે ટ્રેનમાં ચડતા હતા. ગોધરામાં તાજેતરમાં થયેલા પથ્થરમારાના કેસમાં પણ બે આરોપીઓને પોલીસ શોધી રહી છે. તેમાં આ બે વોન્ટેડ આરોપી હોવાની સંભાવના છે. સિગ્નલ ફળીયા ગેંગના 6 સભ્યો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થઈ છે. જેમાંથી બે હજુ વોન્ટેડ છે. રેલ્વે પોલીસ અનુસાર આ ગેંગ છેલ્લા ઘણા સમયથી રેલ્વેની સુરક્ષાને જોખમમાં મૂકી ટ્રેનોમાં ચોરી અને લૂંટ ચલાવતી હતી. આ બે વોન્ટેડ આરોપીઓ ઝડપાઈ જાય તો વધુ ગુનાઓ બહાર આવે તેવી શક્યતા છે……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
