માણસાના ધમેડામાં ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજનીતિમાં નવી ચર્ચા
અલ્પેશ ઠાકોર ડીવાયસીએમબને તેવી અપેક્ષા હતી
અપેક્ષા પૂર્ણ નહી થતાં નિરાશ થયા હોવાનું તેમણે જાહેર કર્યું.
માણસાના એક મોટા સમ્મેલનમાં એવો ક્ષણ આવ્યો કે સમગ્ર રાજકીય માહોલ જ બદલી ગયો. જે વાત કોઈએ ખુલ્લેઆમ નહીં કહી હોય, તે વાત ઋષિભારતી બાપુએ સ્ટેજ પરથી કહીને સૌને ચોંકાવી દીધા. અલ્પેશ ઠાકોરને આ વખતે ડીવાયસીએમ પદ આપવામાં આવશે, પરંતુ આ અપેક્ષા પૂર્ણ ન થતાં તેઓ નિરાશ થયા હોવાનું તેમણે જાહેર કર્યું.
ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે ઠાકોર સમાજના વિશાળ સમ્મેલનમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સમાજના કાર્યક્રમમાં હાજર રહેલા ઋષિભારતી બાપુએ એવું નિવેદન આપ્યું કે સમગ્ર રાજકીય વર્તુળમાં ચર્ચાનો નવો ત્રાટક શરૂ થઈ ગયો છે. બાપુએ કહ્યું કે અલ્પેશ ઠાકોરને જ્યારે નાયબ મુખ્યમંત્રી નહીં બનાવાયા ત્યારે તેમને ખરેખર ખૂબ દુઃખ થયું હતું. તેમને અપેક્ષા હતી કે અલ્પેશ ઠાકોરને આ વખતે DyCM પદ આપવામાં આવશે, પરંતુ આ અપેક્ષા પૂર્ણ ન થતાં તેઓ નિરાશ થયા હોવાનું તેમણે જાહેર કર્યું. ઋષિભારતી બાપુએ સમાજના જ કેટલાક લોકો પર પણ પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે આપણા સમાજના નેતાઓને રાજનીતિ તો આવડે છે, પરંતુ કુટનીતિ આવડતી નથી. તેમની દ્રષ્ટિએ, રાજકીય રમતને સમજવા માટે કુટનીતિ જરૂરી છે, અને તેનો અભાવ સમાજને પાછળ ધકેલી રહ્યો છે. બાપુએ જણાવ્યું કે કેટલીક રાજકીય પાર્ટીઓ ઠાકોર સમાજની નબળી કડી સારી રીતે જાણે છે અને તેનો ફાયદો પણ ઉઠાવે છે. બાપુના આ નિવેદનથી કાર્યક્રમમાં હાજર સમાજના લોકો અને રાજકીય નેતાઓ વચ્ચે રંગત જ આવી ગઈ. બાપુએ માત્ર પોતાની લાગણી જ વ્યક્ત કરી નથી પરંતુ સમાજને સીધી અને તીખી સલાહ પણ આપી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ક્ષત્રિય ઠાકોર સમાજ આજે “વ્હાઇટ કોલર ગુલામી” કરી રહ્યો છે. તેમના મતે સમાજના ઘણા લોકો પોતાના સ્વાભિમાન અને હિતોને પાછળ મૂકીને માત્ર રાજકીય વચનો અને દબાણ હેઠળ ચાલે છે. આ કાર્યક્રમમાં સૌથી ખાસ વાત એ
રહી કે એક જ મંચ પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ જોવા મળ્યા. રાજકીય રીતે વિરોધી પક્ષો હોવા છતાં સમાજના આ કાર્યક્રમમાં બંને પક્ષના નેતાઓની હાજરી ચર્ચાનો વિષય બની. ઋષિભારતી બાપુના નિવેદન વચ્ચે બંને પક્ષના નેતાઓની સ્ટેજ પર હાજરી વધુ રાજકીય મેસેજ આપતી જણાઈ છે ત્યારે માણસાના આ સમ્મેલનમાં થયેલા આ નિવેદનો અને રાજકીય સંકેતોને કારણે હવે રાજ્યની રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ થવાની પૂરી શક્યતા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
