સુરતના કતારગામમાં ગેસ ગીઝરના ધુમાડાથી 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત
ગણેશ આરતી પહેલાં નહાવા ગયેલી તરૂણી લાંબા સમય સુધી બહાર ન આવી
પરિવારજનોએ દરવાજો તોડતા તરૂણી બેભાન હાલતમાં મળી
સુરતના કતારગામમાં ગેસ ગીઝરના ધુમાડાથી ગૂંગળાઈ જતાં 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. ગણેશ આરતી પહેલાં નહાવા ગયેલી તરૂણી લાંબા સમય સુધી બહાર ન આવતા પરિવારજનોએ દરવાજો તોડતા બેભાન જોવા મળતા હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી.
સુરતના કતારગામના ગુણાતીત નગરમાં 15 વર્ષીય પ્રિયમ વરિયાનું બાથરૂમમાં કરૂણ મોત નિપજ્યુ હતું. સગીરા પ્રિયમ ગણેશ આરતી પહેલાં નહાવા માટે બાથરૂમમાં ગઈ હતી. બાથરૂમમાં ગેસ ગીઝર લગાવવામાં આવ્યો હતો, જ્યારે બારી બંધ હોવાની સાથે એક્ઝોસ્ટ ફેન કે પૂરતું વેન્ટિલેશન પણ નહોતું. બંધ બાથરૂમમાં ગેસ ગીઝરમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ એકઠો થતાં પ્રિયમ ગૂંગળાઈને બેભાન થઈ ગઈ હોવાની પ્રાથમિક માહિતી છે. લગભગ દોઢ કલાક સુધી બહાર ન આવતા પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ ન મળતાં દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બેભાન હાલતમાં પ્રિયમને તાત્કાલિક કિરણ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
