વડનગરમાં ડમરું યાત્રાથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત

Featured Video Play Icon
Spread the love

વડનગરમાં ડમરું યાત્રાથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત
ઐતિહાસિક વડનગરમાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ભવ્ય ડમરૂ યાત્રા.

વડનગરના આંગણે શ્રાવણોત્સવની ધામધૂમથી શરુઆત થઈ હતી. 108 ડમરુના નાદ સાથે વડનગરમાં શ્રાવણોત્સવનો પ્રારંભ થયો હતો.’ડમરુ યાત્રા’ આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેમાં જોડાયા હતા.

ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આજે વહેલી સવારે ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’નો આજે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના કિનારેથી મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરી વડનગરની ધરતીને સાંસ્કૃતિક ચેતનાથી તરબતર કરી હતી. આ અવસરે તેમણે મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય ‘ડમરુ યાત્રા’નું પોતે ડમરુ વગાડીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણમાં એક દિવ્ય ઉર્જાનો સંચાર થયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર યાત્રામાં સ્વયં સહભાગી થઈ નગરજનોનો ઉત્સાહ વધાર્યો હતો. યાત્રાના અંતમાં તેમણે વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા શિવ કીટનું વિતરણ કર્યું હતું.

વડનગરની ગરિમા અને શિવભક્તિની પરંપરાને અનુરૂપ આ ડમરુ યાત્રામાં કુલ 108 નિષ્ણાત કલાકારો દ્વારા એકસાથે ડમરુ વાદન કરવામાં આવ્યું હતું. 108 કલાકારોના એકસાથે થતા ડમરુના ગુંજારવ અને ગહન નાદથી સમગ્ર વડનગર નગરી શિવમય બની ગઈ હતી. આ અનોખા વાદનથી ઉપસ્થિત જનમેદની અને નગરજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ આ સાંસ્કૃતિક વારસાને બિરદાવતા જણાવ્યું હતું કે વડનગરના આંગણે આ શ્રાવણોત્સવ; ભક્તિ અને કલાના સંગમ દ્વારા વૈશ્વિક ફલક પર એક નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *