સુરતના પુણાગામમાં વરસાદથી પ્રભાવિત 53 પરિવારો
રાજ્ય સરકારે પરિવારદીઠ 6,800ની કેશડોલ્સ સહાય ચૂકવી
સહાય ફરીથી સામાન્ય જીવન શરૂ કરવામાં મદદરૂપ બનશે
સુરતના પુણાગામમાં વરસાદથી પ્રભાવિત 53 પરિવારોને રાજ્ય સરકારે પરિવારદીઠ 6,800ની કેશડોલ્સ સહાય ચૂકવી દેતા પરિવાર દ્વારા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો.
ભારે વરસાદ બાદ સુરતના પુણાગામ સ્થિત શ્રી હરેકૃષ્ણ સોસાયટી વિભાગ 3માં 3થી 4 ફૂટ પાણી ભરાઈ જતાં અનેક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. અને અનાજ, ઘરવખરી અને જરૂરી સામાનને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક સર્વે હાથ ધરી પાંચ સભ્યોની વિશેષ ટીમ દ્વારા અસરગ્રસ્ત પરિવારોની ચકાસણી કરી હતી. સર્વેના આધારે પાત્ર ઠરેલા 53 પરિવારોને પરિવારદીઠ 6,800 લેખે કેશડોલ્સ સહાય સીધી ચૂકવવામાં આવી હતી. તો લાભાર્થી જગદીશભાઈ રાબડીયાએ જણાવ્યું હતુ કે, કપરા સમયે સરકારની ઝડપી આર્થિક સહાયથી પરિવારને મોટી રાહત મળી છે.
જ્યારે લાભાર્થી સુનિતાબેને કહ્યું કે, સમયસર મળેલી સહાય તેમના પરિવાર માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે અને ફરીથી સામાન્ય જીવન શરૂ કરવામાં મદદરૂપ બની છે. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું છે કે કુદરતી આપત્તિથી પ્રભાવિત દરેક પાત્ર પરિવાર સુધી ઝડપથી અને પારદર્શક રીતે સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી છે.
