સોનગઢમાં ખાખીના નાક નીચે તસ્કરરાજ

Featured Video Play Icon
Spread the love

સોનગઢમાં ખાખીના નાક નીચે તસ્કરરાજ
પોલીસ મથકથી માત્ર ૧૦૦ મીટર દૂર ત્રણ દુકાનોનાં તાળાં તૂટ્યાં,
નાઇટ પેટ્રોલિંગના ધજાગરા

સોનગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને ખાખીનો ખોફ ઓગળી ગયો હોય તેમ તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સોનગઢ પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટરના અંતરે આવેલા ગામ ના મુખ્ય માર્ગ પર અજાણ્યા તસ્કરોએ એક જ રાતમાં ત્રણ દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતાં સમગ્ર પંથકના વેપારી આલમમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો છે. આ ચકચારી ઘટનાને પગલે પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સોનગઢ મેઇન રોડ પર આવેલી વિજય હોટેલ, ગુજરાત સોડા અને એક પગરખાંની દુકાનના માલિકો રોજિંદા ક્રમ મુજબ રાત્રે પોતાની દુકાનો બંધ કરીને ઘરે ગયા હતા. આ દરમિયાન મધ્યરાત્રિએ તસ્કરોએ કસબ અજમાવ્યો હતો. વહેલી સવારે જ્યારે વેપારીઓ દુકાને પહોંચ્યા ત્યારે શટરના તાળાં તૂટેલી હાલતમાં જોવા મળતાં તેમના હોશ ઊડી ગયા હતા. દુકાનની અંદર તપાસ કરતાં ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાં પ્રાથમિક વિગત મુજબ, એક દુકાનમાંથી અંદાજે ₹૫,૦૦૦, બીજી દુકાનમાંથી ૭,૦૦૦ ની રોકડ રકમ તેમજ અન્ય એક દુકાનમાંથી પરચૂરણ નોટો અને ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર ચાંદીના સિક્કાઓની ચોરી કરીને તસ્કરો અંધારાનો લાભ ઉઠાવી રફુચક્કર થઈ ગયા હતા. “જ્યારે પોલીસ મથકની સાવ નજીક આવેલી દુકાનો જ સુરક્ષિત ન હોય, ત્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષા કોના ભરોસે ? પોલીસ વહેલી તકે ગુનેગારોને જેલભેગા કરે અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે. આ હિંમતભરી ચોરીની ઘટનાને પગલે સોનગઢના વેપારીઓમાં તંત્ર સામે તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ પોલીસની કામગીરી પર આંગળી ચીંધતા જણાવ્યું છે કે સુરક્ષાના કેન્દ્ર સમાન પોલીસ સ્ટેશનની બિલકુલ નજીક જો આવી ઘટનાઓ બનતી હોય, તો સામાન્ય પ્રજાએ કોના ઓથારે જીવવું? ઘટનાની જાણ થતાં જ સોનગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ ફંફોસવાની અને તસ્કરોનું સગડ મેળવવાની તજવીજ શરૂ કરી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *