સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી

Featured Video Play Icon
Spread the love

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી
ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
જિલ્લા કલેક્ટર તેજસ પરમારે કહ્યુ હતુ કે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જોકે હાલ જિલ્લામાં પૂર જેવી કોઈ સ્થિતિ નથી. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે કહ્યુ હતુ કે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવાની અપીલ કરી છે.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સંબંધિત વિભાગોએ સમયસર કામગીરી કરીને મોટાભાગના સ્થળોએ પાણીનો નિકાલ કર્યો છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતુ કે 2થી 4 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવે વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે. જિલ્લા વહીવટી તંત્ર હવામાન વિભાગની આગાહી પર સતત નજર રાખી રહ્યું છે અને તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે સુરત જિલ્લામાં સરેરાશ 17.92 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જ્યારે ચાલુ ચોમાસામાં સરેરાશ વરસાદ 228 મિલીમીટર સુધી પહોંચ્યો છે. સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં 389 મિલીમીટર, પલસાણામાં 362, મહુવામાં 352, બારડોલીમાં 309 અને ઉમરપાડામાં 298 મિલીમીટર નોંધાયો છે.

જિલ્લાની તમામ નદીઓ, ડેમો અને જળાશયો હાલ ભયજનક સપાટીથી નીચે છે અને પૂર જેવી કોઈ સ્થિતિ નથી. તેમ છતાં દરેક જળાશય અને નદી પર સતત નજર રાખવામાં આવી રહી છે. મહુવા તાલુકાના બે ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી ઉતરતા જ માર્ગો ફરી શરૂ કરવામાં આવશે. જિલ્લામાં 24 કલાક ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. ઓલપાડ ખાતે એનડીઆરએફ અને માંગરોળ ખાતે એસડીઆરએફની ટીમ તૈનાત રાખવામાં આવી છે. ફાયર વિભાગો અને બચાવ દળોને પણ સંપૂર્ણ સજ્જ રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્રે નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળા, કોઝવે અને પાણી ભરાયેલા રસ્તા પાર ન કરવા તેમજ કોઈપણ ઇમર્જન્સીમાં જિલ્લા કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક તંત્રનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે. સાથે જ અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા પણ અનુરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *