સુરતના મોટા વરાછામાં પ્રી-પ્રાયમરી સ્કૂલ શરૂ કરવાના નિર્ણય સામે વિરોધ
મારૂતિધામ સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં પ્રી-પ્રાયમરી સ્કૂલ
નિયમો મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી
સુરતના મોટા વરાછાની મારૂતિધામ સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં પ્રી-પ્રાયમરી સ્કૂલ શરૂ કરવાના નિર્ણય સામે સ્થાનિક રહીશોએ વિરોધ કરી રોષ દાખવ્યો હતો.
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મારૂતિધામ સોસાયટી વિભાગ-૨માં રહેણાંક નિયમોને નેવે મૂકી પ્રી-પ્રાયમરી સ્કૂલ શરૂ કરાઈ હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું. ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી હતી અને પ્રશાસન તેમજ સ્થાનિક લોકપ્રતિનિધિઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રહીશોના જણાવ્યા મુજબ રહેણાંક વિસ્તારમાં વ્યાપારી પ્રવૃત્તિ શરૂ થવાથી ટ્રાફિક, અવાજ અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વિરોધ દરમિયાન મહિલાઓએ લેખિત ફરિયાદોની નકલો દર્શાવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. પરિસ્થિતિ તંગ બનતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત કરાયો હતો. જોકે સ્થાનિકોનો આક્રોશ હજુ યથાવત રહ્યો છે અને તેઓ નિયમો મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
