અમરેલીમાં રહસ્યમય રોગચાળા મુદ્દે પશુ આરોગ્ય વિભાગ એક્શનમાં.
ઘેટા-બકરામાં ફેલાયેલા રોગનું કારણ જાણવા કામગીરી શરૂ.
વડિયામાં આરોગ્ય વિભાગે પશુઓના લીધા સેમ્પલ.
અમરેલીના વડિયા પંથકમાં પશુઓમાં ફેલાયેલા રહસ્યમય રોગચાળાને પગલે પશુ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. રોગના ચોક્કસ નિદાન માટે 1200 પશુઓના બ્લડ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ શરૂ કરાઈ છે
અમરેલી જિલ્લાના વડિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પશુઓમાં એક ભેદી અને રહસ્યમય રોગચાળો જોવા મળી રહ્યો છે. આ અજાણ્યા રોગના કારણે કેટલાક પશુઓના મોત પણ થયા હોવાના અહેવાલોને પગલે સ્થાનિક માલધારીઓ અને પશુપાલકોમાં ભારે ફફડાટ અને આક્રોશનો માહોલ હતો. આ ગંભીર સ્થિતિની નોંધ લઈને આખરે પશુ આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને રોગચાળાને ડામવા માટે મોટી કવાયત હાથ ધરી છે.
રોગચાળાનું સાચું કારણ અને તેના લક્ષણોને વૈજ્ઞાનિક રીતે ઓળખવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તપાસ અભિયાન શરૂ કરાયું છે. પશુ ચિકિત્સકોની જુદી-જુદી ટીમો બનાવીને વડિયા વિસ્તારના અંદાજે ૧૨૦૦ જેટલા અસરગ્રસ્ત અને શંકાસ્પદ પશુઓના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે. પશુ આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એકત્રિત કરવામાં આવેલા તમામ બ્લડ સેમ્પલને સઘન અને માઇક્રોસ્કોપિક તપાસ માટે તાત્કાલિક રાજ્યની અધિકૃત પશુ લેબોરેટરીમાં મોકલવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
