બારડોલીમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ચકચાર
સાયનાઈડ ગેસ ભરેલા આઈઈડી વિસ્ફોટ કરવાની ધમકી
સુરત જિલ્લાના બારડોલીમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા ઈ-મેલ કરીને ઓફિસમાં સાયનાઈડ ગેસ ભરેલા આઈઈડી વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી.
બારડોલી પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડેન્ટને મળેલા આ ધમકીભર્યા મેલમાં જણાવવામાં આવ્યું હતું કે, બપોરે ૧:૧૦ કલાક સુધીમાં ઓફિસ ખાલી કરાવી દેજો, નહીંતર સાયનાઈડ ગેસ ભરેલા IED બોમ્બનો વિસ્ફોટ કરવામાં આવશે. આ મેલ સુરત પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ દ્વારા ફોરવર્ડ કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાન અને અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ધમકી મળતા જ બારડોલી પોલીસ કાફલો, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી અને બંને ઓફિસોને કામગીરી માટે બંધ કરી દેવાઈ હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
હાલમાં પોલીસ આ ઈ-મેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનું મગજ છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે. ધમકીને પગલે પાસપોર્ટ કચેરીએ આવેલા અરજદારોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો…..
