દાહોદની હોસ્પિટલમાંથી મૃતકના આત્માને લઈને ગયા ?
દાહોદની હોસ્પિટલમાંથી મૃતકના આત્માને પરિવાર લઈને ગયો ?
દાહોદની કે. કે સર્જિકલ નામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો
સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારજનો મૃતદેહ લઈને જતા રહ્યા હતા.
આદિવાસી સમાજની એક અનોખી માન્યતા
વિધિ કરીને પથ્થરને મૃતકના આત્મા સ્વરૂપે લઈ જવામાં આવે છે.
દાહોદની હોસ્પિટલમાંથી મૃતકના આત્માને પરિવાર લઈ ગયો! કંકુ, ફૂલ, દીવા સહિતની પૂજા કરાઈ 3 મહિના બાદ આજે પરિવારના સભ્યો તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તાંત્રિકે વિધિ કરી મૃતકના ગાતલો (આત્મા) ને લઈ પરિવારજનો રવાના થયા હતા. દાહોદની હોસ્પિટલમાંથી મૃતકના આત્માને પરિવાર લઈને ગયો, હવે આને તમે શું કહેશો અંધશ્રદ્ધા કે પરંપરા…
આજના આધુનિક યુગમાં પણ અંતરિયાળ કેટલાક વિસ્તારોમાં અંધશ્રધ્ધા જોવા મળે છે. કોઈ બીમારી હોય તો હોસ્પિટલની જગ્યાએ પહેલા તાંત્રિક પાસે જઈ તાંત્રિક વિધિ કરાવતા હોય છે. મહદ અંશે લોકોમાં જાગૃતતા આવી છે, તેમ છતાં કેટલાય વિસ્તારમાં હજુ પણ અંધશ્રધ્ધા જોવા મળે છે તેનું જીવંત ઉદાહરણ આજે દાહોદમાં જોવા મળ્યું છે. જેમાં અકસ્માત બાદ સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને તેના 3 મહિના બાદ આજે પરિવારના સભ્યો તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા અને તાંત્રિકે વિધિ કરી મૃતકના ગાતલો (આત્મા) ને લઈ પરિવારજનો રવાના થયા હતા. મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના બોલાસા ગામના કોમલસિંહ ગામડ નું 7 જુલાઈના રોજ બાઈક ઉપર જતા સમયે કાર સાથે અકસ્માત સર્જાયો હતો, ગંભીર ઇજાઓના પગલે દાહોદની કે. કે સર્જિકલ નામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારજનો મૃતદેહ લઈને જતા રહ્યા હતા. અંતિમવિધિ પણ થઈ ગઈ હતી, પરંતુ હજુ તેમનો આત્મા અહીં હોવાની માન્યતા સાથે આજે તાંત્રિક સાથે પરિવારજનો મૃતકના આત્મા જેને ગાતલા તરીકે પણ ઓળખાય છે, તે વિધિ માટે દાહોદની હોસ્પિટલ પહોંચ્યા હતા અને કંકુ, ફૂલ દીવા સહિતની પૂજાની સામગ્રીથી વિધિ કરી મૃતકના આત્માને લઈને ગયા હતા. રસ્તામાં તાંત્રિક ધુણતા ધુણતા લઈને નીકળ્યા હતા. આદિવાસી સમાજમાં દેવદિવાળી પહેલા ચૌદશના દિવસે પૂજા અર્ચના કરી પોતાના સ્વર્ગસ્થ પૂર્વજોના આત્માને શાંતિ મળે તે માટે કોતરણી કરેલા પથ્થર રોપવામાં આવે છે. જેને શીરા તરીકે ઓળખે છે. પૂજા અર્ચના સાથે સ્વર્ગસ્થને યાદ કરવામાં આવે છે, સાથે જ તેમના આત્મા કોઈના શરીરમાં પણ આવે છે અને જે વ્યક્તિના શરીરમાં આવે તે મૃતકના સ્વભાવ પ્રમાણે વર્તન કરે છે. સાથે જ વર્ષ કેવું નીવડશે તેની પણ આગાહી કરતા હોય છે.એક માન્યતા એવી છે કે આદિવાસી સમાજનો વ્યક્તિ જે સ્થળ ઉપર મૃત્યુ પામ્યો હોય ત્યાં જઈ ચૌદશ પહેલા તેમના આત્માને લઈ જવામાં આવે છે. જેને ગાતલાની વિધિ તરીકે ઓળખવામાં આવે છે. આ વિધિ કરીને પથ્થરને મૃતકના આત્મા સ્વરૂપે લઈ જવામાં આવે છે. જેથી તેમનો આત્મા ભટકતો ના રહે તેવી એક માન્યતા રહેલી છે..
