ટેનિસ ખેલાડી જેન્સી કાનાબારએ વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું
ઓસ્ટ્રેલીયન ઓપન ટેનિસ એશિયા પેસિફીક અન્ડર 14 વુમન્સ ટાઈટલ
2 ફેબ્રુઆરીએ વતનમાં અદભુત અને અભૂતપૂર્વ સ્વાગત
જૂનાગઢના રમતગમત ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર આયોજિત પ્રતિષ્ઠિત ‘એશિયા પેસિફિક એલિટ ટ્રોફી’ માં ચેમ્પિયન બનીને ભારતનું નામ રોશન કરનાર જૂનાગઢની લાડલી જેન્સી દીપકભાઈ કાનાબારનું આજે 2 ફેબ્રુઆરીએ વતનમાં અદભુત અને અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું.
જૂનાગઢની લાડલી જેન્સીની આ સિદ્ધિ માત્ર એક ખેલાડીની જીત નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ છે. તેના આગમન પ્રસંગે જૂનાગઢના મજેવડી દરવાજાથી લઈને સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ સુધી એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ અને નાગરિકો જોડાયા હતા, વિજયી બનીને પરત ફરેલી જેન્સીના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરી હતી. જેન્સીએ જે ટેનિસ કોર્ટ પરથી રમતની શરૂઆત કરી હતી અને પરસેવો પાડીને પ્રેક્ટિસ કરી હતી, તે જૂનાગઢ જિમખાના ટેનિસ કોર્ટનું નામ હવેથી કાયમી ધોરણે ‘કુમારી જેન્સી કાનાબાર ટેનિસ કોર્ટ’ રાખવામાં આવશે. આ સાથે જ તેને જિમખાનાની માનદ સભ્યપદ પણ એનાયત કરવામાં આવ્યું છે. જેન્સી જેવી દીકરીઓ અન્ય ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે અને જિલ્લામાં રમતગમતના વિકાસ માટે સરકાર 13 કરોડના ખર્ચે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ તૈયાર કરી રહી છે
જૂનાગઢમાં હવે સ્પોર્ટ્સ કલ્ચર ખૂબ જ તેજીથી વિકસી રહ્યું છે. તાજેતરમાં આઈપીએલમાં અંશ ગોસાઈની પસંદગી અને હવે જેન્સીની ટેનિસમાં આંતરરાષ્ટ્રીય સિદ્ધિ એ વાતની સાબિતી છે કે નાનાં શહેરોમાં પણ પ્રતિભાનો કોઈ અભાવ નથી. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા મળતા પ્રોત્સાહનને કારણે ખેલાડીઓ હવે વૈશ્વિક સ્તરે ચમકી રહ્યા છે. જેન્સીની સફળતાએ ગુજરાતની અનેક દીકરીઓ માટે રમતગમતમાં કારકિર્દી બનાવવા માટે નવાં દ્વાર ખોલી દીધાં છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
