કામરેજ તાલુકાના દિગસ ગામમાં તસ્કરો તરખાટ
વિદેશમાં વસતા ગ્રામજનોના બંધ મકાનોને નિશાન બનાવ્યા
ગામમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના દિગસ ગામ હાલ તસ્કરોની પ્રવૃત્તિઓથી પરેશાન છે. ખાસ કરીને વિદેશમાં વસતા ગ્રામજનોના બંધ મકાનોને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે ગામમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે.
પ્રાથમિક માહિતી મુજબ દિગસ ગામના ભક્ત ફળિયામાં આવેલા ત્રણ બંધ મકાનોના તાળા તોડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મકાનોના માલિકો હાલ વિદેશમાં સ્થાયી થયેલા હોવાથી, ચોરી થયેલી કુલ મુદ્દામાલની કિંમત કે વિગતો હજુ અસ્પષ્ટ છે. તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી કબાટોના તાળા તોડ્યા હતા અને ઘરવખરીનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો, આ ઘટનાથી ગ્રામજનોમાં દહેશત ફેલાઈ છે કારણ કે, તસ્કરો ખુલ્લેઆમ ગામમાં ફરી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં પાંચ જેટલા તસ્કરો કેદ થયા છે, જેમાં તેઓના હાથમાં ટોર્ચ અને મારક હથિયારો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. ચોરીની ઘટના બાદ ભોગ બનનાર પરિવારો અને અન્ય ગ્રામજનો દ્વારા તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો છે. ગ્રામજનોએ પોલીસ ફરિયાદ દાખલ કરીને ગામમાં રાત્રી પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે, પોલીસ પેટ્રોલિંગ વધારવાથી તસ્કરોને અંકુશમાં લઈ શકાશે અને ગામમાં સુરક્ષાનો માહોલ ફરીથી સ્થાપિત થશે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઓળખી કાઢવા અને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જોકે, આ ઘટનાઓએ દિગસ ગામના NRI પરિવારોની ચિંતામાં વધારો કર્યો છે, જેઓ પોતાના વતનથી દૂર હોવા છતાં તેમના ઘરોની સુરક્ષાને લઈને ચિંતિત છે..
