ઓડિશામાં આંગણવાડીના કામમાં કૌભાંડ
સુરતના વેપારીની નકલી સહી કરી બોગસ ભાગીદારી ડીડ
જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી
ઓડિશામાં આંગણવાડીના કામમાં કૌભાંડ મામલે સુરતના વેપારીની નકલી સહી કરી બોગસ ભાગીદારી ડીડ બનાવાયાના દાવા સાથે જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ઓડિશા આંગણવાડી કૌભાંડમાં થોડા સમય પહેલા સીઆઈડી દ્વારા સુરતના વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. જેના વકીલ દ્વારા સુરતના જ કેટલાક શખસો સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરતના વેપારી શાશ્વત શાહને ફસાવવા માટે બોગસ ભાગીદારી ડીડ બનાવાયાનો દાવો કરાયો છે. જે ભાગીદારી ડીડ બનાવવામાં આવ્યું હતું તેમાં શાશ્વત શાહના નામે જે સહી કરવામાં આવી હતી તે પણ ખોટી હોવાનું એફએસએલમાં પુરવાર થયું હોવાનો વકીલ વિલાસ પાટીલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. હવે આ મામલે જે જવાબદારો છે તેની સામે કાર્યવાહીની માગ કરવામાં આવી છે. સુરતના શાશ્વત શાહની ઓરિજિનલ કંપની ક્યુપ્રાઇટ ઇન્ફોટેક જે વર્ષ 2014 થી કાર્યરત હતી, તેના નામે જ બીજી ડુપ્લીકેટ કંપની ઉભી કરી ઓડિશા સરકારના આંગણવાડી રિનોવેશનના કરોડો રૂપિયાના પેમેન્ટ હડપવાનો ખેલ ખેલાયો હોવાનો વિલાસ પાટીલ દ્વારા દાવો કરાયો છે. વકીલ વિલાસ પાટીલે જણાવ્યું હતું કે, અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે જે ભાગીદારી ડીડ રજૂ કરવામાં આવી છે તે બોગસ છે. સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ પણ પુષ્ટિ કરી છે કે નોટરી રજીસ્ટરમાં શાશ્વત શાહની સહીઓ નકલી છે.
ડુપ્લીકેટ કંપનીનો જીએસટી નંબર આવે ત પહેલા જ કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાયાનો પણ દાવો કરાયો છે. વકીલે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે ઓરિજિનલ કંપનીના એચ.ડી.એફ.સી. બેંક ખાતામાં અંદાજે 10.67 કરોડ રૂપિયા જમા થયા, ત્યારે ડુપ્લીકેટ કંપનીના ભાગીદારોએ નાસિક ઇકોનોમિક વિંગમાં ખોટી અરજી કરી આ રકમ ફ્રીઝ કરાવી દીધી હતી. આ આખા કેસનો પાયો એક સુધારાની ભાગીદારી ડીડ પર ટકેલો હતો, જેના આધારે શાશ્વત શાહની ધરપકડ કરવામાં આવી હતી. શાશ્વતે દાવો કર્યો હતો કે તે સમયે તેઓ ઓડિશામાં હતા અને સુરતમાં હાજર જ નહોતા. અંતે, જૂન 2025 માં સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં સાબિત થયું કે નોટરી રજીસ્ટરમાં કરવામાં આવેલી સહીઓ શાશ્વત શાહની નથી. આ રિપોર્ટે સાબિત કર્યું કે ખોટા દસ્તાવેજો બનાવીને તેમને ફસાવવામાં આવ્યા હતા. એફએસએલ રિપોર્ટ બાદ પણ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરાયો છે.
