નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ-સોનિયા ગાંધીના પૂતળાનું દહન
નાનપુરામાં કોંગ્રેસ કાર્યાલય પ્રતિકાત્મક વિરોધ યોજાયો
બે હજાર કરોડનું કૌભાંડ થયું હોવાનો ભાજપનો આક્ષેપ,
નેશનલ હેરાલ્ડ કેસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવતા સમગ્ર દેશમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. સુરત શહેરમાં પણ તેની સીધી અસર જોવા મળી, જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો.
ભાજપના કાર્યકરો દ્વારા નાનપુરા વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય નજીક જ પ્રતિકાત્મક વિરોધ યોજાયો હતો. “સોનિયા ગાંધી હાય હાય”, “રાહુલ गांधी હાય હાય” જેવા નારા લગાવતાં કાર્યકરોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ વિરોધ કાર્યક્રમમાં સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી તથા પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીના પૂતળાનું દહન પણ કર્યું હતું. ભાજપના નેતાઓએ આરોપ મૂક્યો કે કોંગ્રેસ દ્વારા વર્ષોથી હેરાલ્ડના નામે થયેલી આર્થિક ગેરરીતિઓ હવે ચાર્જશીટના રૂપે બહાર આવી રહી છે અને દેશ સામે સત્ય ખુલ્લું પડી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસ રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને એસોસિએટેડ જર્નલ્સ લિ. સાથે સંકળાયેલી આર્થિક ગતિવિધિઓના મામલે છે, જેમાં રાહુલ અને સોનિયા ગાંધી સહિત કેટલાક અન્ય કોંગ્રેસ નેતાઓના નામ સામેલ છે.
