માંડવીમાં ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ વર્ષની ઉજવણી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગૌરવભરી ઉજવણી
આદિજાતિ વિદ્યાર્થીઓને 4300 કરોડની માતબર રકમની શિષ્યવૃત્તિ આપી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુરત જિલ્લાના માંડવી ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ વર્ષની ગૌરવભરી ઉજવણી કરવામાં આવી.
ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ નિમિતે માંડવી પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વક્તવ્યમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આદિજાતિ વિદ્યાર્થીઓને 4300 કરોડની માતબર રકમની શિષ્યવૃત્તિ આપી છે, રાજ્ય સરકારે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનમાં 21 જિલ્લાના 102 તાલુકાના 4265 ગામોને યોજનાકીય લાભો આપ્યા, વનબંધુઓને વિશ્વબંધુ બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને રાજ્ય સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આર્થિક વિકાસના ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને ચરિતાર્થ કર્યો છે
માંડવીના તાપી રિવરફ્રન્ટ ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં અમલીકૃત વિવિધ યોજનાઓમાં 278 કરોડના 1240 વિકાસકામોનું ખાતમુહુર્ત તથા 200 કરોડના 1282 કામોનું લોકાર્પણ કરી કુલ 479 કરોડના 2522 વિકાસકામોની ભેટ આપી હતી. સાથો સાથ રાજ્યના 6,20,846 આદિજાતિ લાભાર્થીઓને 125 કરોડના વ્યક્તિલક્ષી યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું. તેમણે આદિજાતિયોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભ અને કીટ વિતરણ તેમજ રમતગમતમાં વિશેષ સિદ્ધિ મેળવનાર રમતવીરોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કર્યા હતા
