લીલીયાના નીલકંઠ સરોવરના પાણીનો કલર બદલાયો.
કોઈ અજાણ્યા વ્યક્તિએ સરોવરમાં કેમિકલ ઠાલવ્યું હોવાની આશંકા.
આ સરોવરમાં સિંહો અને અન્ય વન્યજીવો પાણી પીવે છે
અમરેલી જિલ્લાના લીલીયામાં આવેલ નીલકંઠ સરોવરમાં ગઈકાલે કોઈ અસામાજિક તત્વો કેમિકલ જેવો પ્રદાર્થ ઠાલવી જતા સરોવરનું સમગ્ર પાણી લીલું અને કેમિકલની દુર્ગંધ વાળું બની ગયું છે. જેને પગલે આજે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને પાણીના જરૂરી નમુના લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.
અમરેલીમાં લીલીયા નજીક આ રમણીય નિલકંઠ સરોવરમાં તાજેતરમાં વરસાદના કારણે પાણી ભરેલું છે. પરંતુ કોઈ અસામાજિક તત્વોએ સુજલામ સુફલામ યોજના તળે 100 વિઘા જમીનમાં બનેલા આ સરોવરમાં કોઈ કેમિકલ જેવો પદાર્થ ઠાલવી દીધો હતો. જેના કારણે સરોવરનું પાણી લીલું અને દુષિત બની ગયું છે. એટલું જ નહી પાણીમાંથી કેમિકલની ભયંકર દુર્ગંધ આવી રહી છે. વિઘ્ન સંતોષીઓના આ કારસ્તાનને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભકી ઉઠ્યો હતો. આ અંગે જાણ થતા વહિવટી તંત્ર પણ દોડતું થયુ હતું અને અહીંથી પાણીના નમુના લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા સરોવરનું પાણી પ્રદુષિત કરાયા અંગે જાણ થતા લીલીયાના સરપંચ જીવનભાઈ વોરાએ સ્થાનિક મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પીએસઆઈને જાણ કરી પગલાંની માંગ કરી હતી. આ સરોવર વિસ્તારમાં સિંહો અને અન્ય વન્યજીવો તથા પશુ-પંખીઓ આવે છે અને આ સરોવરમાથી પાણી પીવે છે, ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. જો કે સેમ્પલના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે સરોવરમાં શું ભેળવવામાં આવ્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
