અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડનો પર્દાફાશ.

Featured Video Play Icon
Spread the love

અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડનો પર્દાફાશ.
વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાના બદલે ખાડીમાં ઠાલવ્યો કચરો
જમીન અને પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરવાનું આ મોટું કૌભાંડ

અંકલેશ્વર શહેરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. લેગેસી વેસ્ટને પ્રોસેસ કરવાના બદલે તેને સુકાવલી નજીક આવેલી ખાડીમાં ગેરકાયદેસર રીતે ઠાલવી દેવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે.

અંકલેશ્વર શહેરમાં પ્રદૂષણ મુક્ત કરવાના હેતુથી હાથ ધરાયેલા લેગેસી વેસ્ટ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. સેંકડો ટન કચરાને 3 તબક્કામાં વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવાને બદલે, વેસ્ટ સેગ્રીગેશન સાઈટની નજીક રસ્તો બનાવી અવાવરું ખાડી વિસ્તારમાં કચરો ધરબી દેવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતા નગરપાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે સ્થળ પર આકસ્મિક દરોડા પાડ્યા હતા, જેમાં જમીન અને પાણીના સ્ત્રોતોને પ્રદૂષિત કરવાનું આ મોટું કૌભાંડ ઝડપાયું હતું. આ મામલે નગરપાલિકાએ કડક વલણ અપનાવી જવાબદાર કોન્ટ્રાક્ટરનું અંદાજિત 95 લાખ રૂપિયાનું પેમેન્ટ રોકી દીધું છે, જ્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

કૌભાંડ પકડાઈ જતાં જવાબદાર કોન્ટ્રાક્ટરે લેખિતમાં પોતાની ભૂલ કબૂલ કરી છે અને ખાડીમાં ઠાલવેલો કચરો પરત હટાવી લેવાની બાંયધરી આપી બચાવનો પ્રયાસ કર્યો છે. જોકે, પર્યાવરણને થયેલા નુકસાનને જોતા તંત્ર નમતું જોખવા તૈયાર નથી. GPCBના રિજિયોનલ ઓફિસર એસ.વી. અગ્રવાલે જણાવ્યું હતું કે, બોર્ડની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. તપાસનો વિગતવાર રિપોર્ટ તૈયાર થયા બાદ પર્યાવરણીય નિયમોના ઉલ્લંઘન બદલ કોન્ટ્રાક્ટર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *