કીર્તિ પટેલ સ્નાન વિવાદમાં જૂનાગઢના ધારાસભ્યનું નિવેદન.
સમગ્ર ઘટના અંગે કલેક્ટરને કરાઈ જાણ: સંજય કોરડિયા
“સાધુના વેશમાં સ્નાન કરવા મુદ્દે કાયદાકીય તપાસના આદેશ”
ગિરનારની તળેટીમાં આયોજિત મહાશિવરાત્રીના ‘મીની કુંભ’માં એક વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કિર્તી પટેલ સાધ્વીનો વેશ ધારણ કરી, પ્રતિબંધિત એવા મૃગીકુંડમાં સાધુ-સંતો સાથે શાહી સ્નાન કરતા ધાર્મિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે સાધુ-સંતોએ આકરી પ્રતિક્રિયા આપી છે, જ્યારે પોલીસ અને તંત્રની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે.
જૂનાગઢમાં રવેડી દરમિયાન કિર્તી પટેલે આયોજનબદ્ધ રીતે સાધુનો વેશ ધારણ કર્યો હતો, જેથી ભીડમાં તેને ઓળખી ન શકાય. કલેક્ટર અને એસ.પી. જેવા ઉચ્ચ અધિકારીઓની હાજરી હોવા છતાં, કિર્તી પટેલે મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી અને લગભગ 15 મિનિટ સુધી સ્નાન કર્યું હતું. તંત્રને ત્યારે ખ્યાલ આવ્યો જ્યારે વિવાદિત ઈન્ફ્લુએન્સરની ઓળખ થઈ. ત્યારબાદ મહિલા પોલીસે તેને કુંડમાંથી બહાર કાઢી હતી. મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવતા કિર્તી પટેલે નમ્રતા દાખવવાને બદલે પોલીસ કર્મચારીઓ સાથે માથાકૂટ કરી હતી. તેણે દાદાગીરી કરતા કહ્યું હતું કે, “હું કોઈ આરોપી નથી, પોલીસ કેમ મારી પાછળ આરોપીની જેમ ફરે છે?” મહિલા પોલીસ અધિકારીઓ સાથે તેણે કરેલા ગેરવર્તનને કારણે મામલો વધુ બિચક્યો હતો. જૂનાગઢના મૃગી કુંડના સ્નાનમાં વિવાદ મામલે ધારાસભ્ય સંજય કોરડિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સાધુ સંતોની અને સનાતની પરંપરા તૂટી છે અને પરંપરા તૂટી છે તો તેની સામે કાર્યવાહી થશે. જિલ્લા કલેક્ટર અને SP તપાસ કરી રહ્યા છે. પરંપરા તોડનારા સામે કાર્યવાહી થશે
ખાખીમઢી મેંદરડાના મહંત સુખરામદાસ બાપુએ આ ઘટનાની આકરી નિંદા કરતા જણાવ્યું હતું કે, “માત્ર સાધુના કપડાં પહેરી લેવાથી કોઈ સાધુ નથી બની જતું. આ કૃત્ય દ્વારા મૃગીકુંડને અપવિત્ર કરવામાં આવ્યો છે અને સાધુઓને બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે.” તેમણે સરકાર અને તંત્રને કિર્તી પટેલ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે. પ્રાંત અધિકારીએ સ્વીકાર્યું હતું કે ભવનાથના મેળામાં આવી ઘટના પ્રથમવાર બની છે. સાધુ-સંતોની ભીડ વધુ હોવાથી પોલીસ ઓળખી ન શકી. હવે સાધુ-સંતોના મંતવ્યો લીધા બાદ જ આગળની કાર્યવાહી કરાશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
