સાબરડેરીમાં હિંસક અથડામણ માટે જશુ પટેલે લોકોને ઉશ્કેર્યા
રિટેન્શન મની ચૂકવાઈ છતાં ઓછો નફો ચૂકવવાનો આરોપ મૂક્યો
પશુપાલક-પોલીસ ઘર્ષણમાં 74 સહિત 1000ના ટોળા સામે એફઆઈઆર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલી સાબરડેરી ખાતે ગઈકાલે 14 જુલાઇના દૂધના પ્રતિ કિલોફેટે વાર્ષિક ભાવફેર મુદ્દે પશુપાલકો અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું હતું.
હિંમતનગરમાં દૂધના ભાવ મુદ્દે પશુપાલકોએ સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન કર્યું હતું. પોલીસના બેરિકેડ્સ તોડીને પશુપાલકો સાબર ડેરીમાં ઘૂસી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો, એમાં કેટલાક લોકોનાં માથાં પણ ફૂટ્યાં હતા. પશુપાલકો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થતાં પશુપાલકોએ અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો. પરિસ્થિતિ એટલી વણસી કે પોલીસને 70 જેટલા ટિયર ગેસના શેલ છોડવા પડ્યા આ મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરીએ બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટર જશુ પટેલ સહિત 74 નામજોગ વ્યક્તિ અને લગભગ 1000 જેટલા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં રિટેન્શન મની ચૂકવવામાં આવી હોવા છતાં બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટર જશુ પટેલે સોશિયલ મીડિયા પર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરો વિરુદ્ધ ઓછો નફો ચૂકવવાનો આરોપ મૂકી લોકોને ઉશ્કેર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
હિંમતનગર ડિવિઝનના DySP એ.કે.પટેલે જણાવ્યું હતું કે, ગઇકાલે સાબરડેરી પાસે ભાવફેર બાબતે લોકો ભેગા થયા હતા. આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી પોલીસ સાથે ઘર્ષણ માટે ઉતરી આવ્યા હતા. એટલું જ નહિ તેમણે તોડફોડ પણ કરી હતી, જેમાં સાબરડેરીનો મુખ્ય ગેટ, બાજુમાં રહેલી ગ્રીલ અને પોલીસના વાહનોને નુકશાન પહોંચાડ્યું હતું. આ ઉપરાંત કેટલાક પોલીસકર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા હતા. આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરી નેશનલ હાઇવે પરના વાહનોને રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પોલીસે બળપ્રયોગ કરીને આ ટોળાને વિખેરી નાખ્યું હતું.
ફરિયાદમાં આરોપ છે કે, તેમણે સુનિયોજિત કાવતરું રચીને સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા કર્યા હતા. જેમાં સાબરડેરી દ્વારા 11 જુલાઈના રોજ રિટેન્શન મનીની ચુકવણી કરવામાં આવી હોવા છતાં દાવો કરવામાં આવ્યો હતો કે, ડેરીના ચેરમેન અને ડિરેક્ટરોએ ઓછો નફો ચૂકવીને પશુપાલકો સાથે છેતરપિંડી કરી છે, એટલું જ નહિ સત્તાધીશો પોતાની મનમાની કરી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ મેસેજો દ્વારા લોકોને એકસંપ થઈ અવાજ ઉઠાવવા અને 14 જુલાઈના રોજ સાબરડેરી ખાતે ભેગા થવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
