સુરત ડિંડોલીમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો કારોબાર

Featured Video Play Icon
Spread the love

સુરત ડિંડોલીમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો કારોબાર
ગેસ રિફિલિંગ દરમિયાન થયેલા લીકેજને કારણે અચાનક ફ્લેશ ફાયર
ત્રણ વર્ષના બાળક સહિત 3 ઈજાગ્રસ્ત થયા

સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેણાંક મકાનમાં નફાખોરી માટે ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારોબારના કારણે ત્રણ વર્ષના બાળક સહિત 3 ઈજાગ્રસ્ત થયા હતા. રૂમની અંદર ગેસ રિફિલિંગ દરમિયાન થયેલા લીકેજને કારણે અચાનક ફ્લેશ ફાયર થતા બે માસૂમ બાળકો અને તેમની માતા ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલે ખસેડાયા હતાં.

સુરતના નવાગામ ડિંડોલીની નીલકંઠ સોસાયટીમાં બુધવારે સાંજે આશરે પોણા આઠ વાગ્યાના સુમારે અચાનક એક રૂમમાંથી આગની જ્વાળાઓ બહાર આવતા લોકોમાં ફાળ પડી હતી. આ ઘટનામાં 30 વર્ષીય આશાદેવી વિક્રમ કાપર, તેમની 7 વર્ષની પુત્રી માધુરી અને 3 વર્ષનો પુત્ર દિવ્યાંશ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલેન્સ બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હાલ માતા અને બંને બાળકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ કોઈ સામાન્ય અકસ્માત નહોતો પરંતુ બેદરકારીનું પરિણામ હતું. પવન ગિરધર ખટીક નામનો શખ્સ રહેણાંક વિસ્તારની રૂમમાં ચોરી-છુપીથી ગેસ રિફિલિંગનો ધંધો કરતો હતો. પોલીસના પ્રાથમિક નિવેદનમાં પવને જણાવ્યું હતું કે તે ગેસનો ચૂલો રીપેરીંગ કરવા ગયો હતો, પરંતુ સ્થાનિકો અને ભોગ બનનારના પરિવારના આક્ષેપો કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવી રહ્યા છે. આ અકસ્માતમાં રિફિલિંગ કરનાર પવન પોતે પણ દાઝી ગયો હતો, જે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિત પરિવારના મોભી વિક્રમ કાપર, જેઓ જરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે.

પવન ખટીક અગાઉ દુકાનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો હતો, પરંતુ તંત્રની કડકાઈને કારણે તેણે બાજુની રૂમમાં આ પ્રવૃત્તિ શરૂ કરી હતી. ગઈકાલે જ્યારે ગેસની તીવ્ર વાસ આવતા પુત્રી માધુરી પવનને જાણ કરવા ગઈ અને પવને રૂમમાં જઈ લાઈટની સ્વીચ પાડી કે તુરંત જ ભભૂકેલી આગે બહાર બેઠેલા પરિવારને લપેટમાં લઈ લીધો હતો. હાલમાં આશાદેવી અને તેમના બંને બાળકો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર બાળકોની હાલત નાજુક છે. બીજી તરફ, ડિંડોલી પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે. પોલીસે પવન ખટીક વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને બેદરકારીના ગુના હેઠળ કાર્યવાહી કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *