ઈટાલિયા અને અમૃતિયાનો ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા
અમૃતિયા રાજીનામું આપ્યા વગર અડધા કલાકમાં રવાના
12:15 વાગ્યા સુધી ગોપાલ ઈટાલિયાની રાહ જોઈ
મોરબી અને વિસાવદરના ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ‘ચેલેન્જ રાજનીતિ’ હવે ચરમસીમાએ પહોંચી છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે પોતાના સમર્થકોની લગભગ 100 ગાડીના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા.
ગોપાલ ઈટાલિયાને આપેલી ચેલેન્જ પૂરી કરવા કાંતિભાઈ અમૃતિયા આજે સવારે મોરબી ઉમા ટાઉનશિપ ખાતે આવેલા પોતાના નિવાસસ્થાનેથી અંદાજે 100 કરતાં વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાંથી તેમણે જણાવ્યું હતું કે મને ગોપાલ ઇટાલિયાએ લડવા માટે આહવાહન કર્યું એટલે હું આવ્યું છે. હું મારા કાગળ લઈને આવ્યો છું, જો ઈટાલિયા આવશે તો હું રાજીનામું આપીશ. હું ગોપાલ ઈટાલિયાની સવાબાર વાગ્યા સુધી રાહ જોઇશ. જોકે સવાબાર વાગ્યા સુધી ઇટાલિયા ન આવતાં કાંતિ અમૃતિયાએ ફરીથી જણાવ્યું કે જો ઇટાલિયા હજીએ શપથ લઇને રાજીનામું આપતા હોય તો હું હજી બે કલાક બેસીશ. ગોપાલભાઇ ખોટુ રાજકારણ કરે છે, એ વાજબી નથી. તેમણે પ્રદીપસિંહ જાડેજાને જોડું માર્યું ત્યારથી એ ગુજરાતની પ્રજાને ગુમરાહ કરે છે, ખોટા વીડિયો મૂકે છે. મોરબીમાં થોડીઘણી તકલીફ છે એ હું સ્વીકારૂ છું. આવતા શનિવારે ખૂબ મોટેપાયે ખાતમુહૂર્ત કરવાના છીએ,
બીજી તરફ આ અંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યારે આ બાબતે મારો કોઇ વિષય નથી, લોકોનું કામ કરવું જોઇએ એવું મારું સૂચન છે. તો આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ કોઇ ચેલેન્જની રાજનીતિ નથી આ વિકાસની રાજનીતિ છે. ગુજરાતમાં માત્ર વિકાસની જ રાજનીતિ ચાલી રહી છે.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાનો વિજય થયા બાદ મોરબીમાં છેલ્લા સપ્તાહમાં જુદા જુદા વિસ્તારોમાં આંદોલનો જોવા મળ્યાં હતાં. આ આંદોલનો દરમિયાન વારંવાર “વિસાવદર વાળી થશે” એવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવતી હતી, જેનો ઉદ્દેશ મોરબીના લોકોને ઉશ્કેરવાનો અને તંત્રને બાનમાં લેવાનો હતો. આના જવાબમાં કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે જો ગોપાલ ઇટાલિયા મોરબી બેઠક પરથી ચૂંટણી લડવા આવે અને જીતી જાય તો તેઓ પોતે રાજીનામું આપશે અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયાનું ઇનામ આપશે. ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને આ ચેલેન્જ સ્વીકારી હોવાનું દર્શાવ્યું હતું, જેનાથી આ ‘ચેલેન્જ રાજનીતિ’નો પ્રારંભ થયો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
