સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવન ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવન ઉજવણી
કષ્ટભંજનને ચઢાવેલા 8 કિલો સોનાના વાઘા
સાંજે કિંગ ઓફ સાળંગપુર’ની 54 ફૂટની પ્રતિમા સમક્ષ ભવ્ય સમૂહ આરતી

બોટાદ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે બે દિવસીય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં હજારો ભક્તો જોડાઈ રહ્યા છે. આ સાથે જ કષ્ટભંજનને ચઢાવેલા 8 કિલો સોનાના વાઘા ભક્તોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે ‘કૃતજ્ઞતાનો મહા મહોત્સવ’ અને હનુમાન જયંતિની ઉજવણી માટે બે દિવસીય 1 અને 2 એપ્રિલના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે મહોત્સવના પ્રથમ દિવસે દાદાના દરબારમાં ભક્તિ, શક્તિ અને સંસ્કૃતિનો અદભૂત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ દાદાનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે ‘કિંગ ઓફ સાળંગપુર’ની 54 ફૂટની પ્રતિમા સમક્ષ ભવ્ય સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ એકસાથે આરતી ઉતારી વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું. ખાસ કરીને હનુમાન જયંતિ અને અમુક વિશેષ દિવસોમાં આ વાઘા દર્શન માટે મૂકવામાં આવે છે, જ્યાં હજારો ભક્તો દર્શન કરવા આવે છે. સાળંગપુર મંદિર હનુમાનજીના “કષ્ટભંજન” સ્વરૂપ માટે જાણીતું છે, જ્યાં લોકો પોતાની મુશ્કેલીઓ દૂર કરવા પ્રાર્થના કરે છે.

રાત્રિના સમયે આકાશમાં અત્યાધુનિક અને રંગબેરંગી આતશબાજી કરવામાં આવી હતી. સતત ચાલેલી આ ભવ્ય આતશબાજીએ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓના દિલ જીતી લીધા હતા અને આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની હતી. રાત્રિના સમયે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવના મુખ્ય આકર્ષણ તરીકે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા અલૌકિક સુવર્ણ વાઘા ધરાવવામાં આવ્યા છે, જેને 100 સોનીઓની ટીમે રિયલ ડાયમંડ અને મીણાકારીના જડતર સાથે એક વર્ષની મહેનત બાદ તૈયાર કર્યા છે. આ શણગાર શક્તિ, ભક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આજે 2 એપ્રિલ 2026ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે ‘હનુમાન જન્મોત્સવ’ ની ભવ્ય ઉજવણી ચાલુ રહેશે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો પધારે તેવી ગણતરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *