નરસંહારની સરખામણી હત્યા સાથે કરી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

Spread the love

સુપ્રિમકોર્ટે 18 એપ્રિલ 2023ના રોજ, બિલ્કીસ બાનો કેસમાં ‘આજીવન કેદ’ના 11 દોષિતોને સમય પહેલાં મુક્ત કરવા માટેના કારણો જણાવવા ગુજરાત સરકારને કહ્યું છે. ગુજરાત સરકારે સજામુક્તિ સંબંધી ફાઈલ આપવાનો વિરોધ કર્યો ત્યારે સુપ્રિમકોર્ટે કહેલ કે અમે કોર્ટની અવમાનના સબબ કાર્યવાહી કરીશું.
જસ્ટિસ કે.એમ.જોસેફ અને જસ્ટિસ બી.વી. નાગરથનાની બેંચે કહ્યું કે આજે તે મહિલા છે, આવતીકાલે તમે અથવા અમે હોઈ શકીએ. વસ્તુનિષ્ઠ ધોરણો હોવા જોઈએ. જો તમે અમને કારણો નહીં આપો તો અમે અમારા તારણો કાઢીશું. દોષિતોને 3 વર્ષ માટે પેરોલ ઉપર છોડવામાં આવ્યા છે. દરેકને 1,000 દિવસથી વધુની પેરોલ આપવામાં આવી હતી. જેમાં એક દોષિતને 1,500 દિવસની પેરોલ મળી હતી તમે કઈ નીતિનું પાલન કરો છો ?
બળાત્કાર અને સામૂહિક હત્યાના ગુના સાથે સંકળાયેલા કેસની તુલના સામાન્ય હત્યાના કેસ સાથે કરી શકાય નહીં. નરસંહારની સરખામણી એક હત્યા સાથે કરી શકાય નહીં. ગુજરાત સરકારે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખવી જોઈતી હતી.
સુપ્રિમકોર્ટે બિલ્કીસ બાનો કેસ CBI ને સોંપ્યો ન હોત અને કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કર્યો ન હોત તો 11 આરોપીઓને ગુજરાત પોલીસ એરેસ્ટ પણ કરત નહીં. ગુજરાતની કોર્ટ સજા પણ કરત નહીં. આ કેસમાં 2004 માં પ્રથમ ધરપકડ થઈ હતી જ્યારે આ ઘટના માર્ચ 2002 માં બની હતી. માની લઈએ સુપ્રિમકોર્ટ દોષિતોને ફરી જેલમાં પૂરે તો પણ સત્તાપક્ષ એનો લાભ ઉઠાવશે. તા.15 ઓગસ્ટ 2022 ના રોજ 11 કેદીઓને ગુજરાત સરકારે જેલ મુક્ત કર્યા અને ડીસેમ્બર 2022 માં ચમત્કાર થયો, સત્તાપક્ષને વિધાનસભાની 182 બેઠકોમાંથી 156 બેઠકો પર વિજય મળી ગયો.
સુપ્રિમ કોર્ટમાં સરકારની પોલ ત્યારે જ ખૂલે છે જ્યારે તેમને પૂછવામાં આવે કે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી કોઈ હિન્દુ મહિલા પર બળાત્કાર/ હત્યાના કેસમાં દોષિતોને સજા પૂરી થયા પહેલાં છોડી મૂક્યા હોય તેવો એક પણ કેસ છે ખરો ?
એવા કેદી જેમણે 1000/1500 દિવસોની પેરોલ ભોગવેલ હોય અને તેમને સજા પૂરી થયા પહેલા છોડી મૂક્યા હોય તેવો એક પણ કેસ છે ખરો ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *