મહેસાણાના ઊંઝામાં 10 કલાક વીજળીની માગ ઊઠી
ઊંઝાના ધારાસભ્ય પણ હવે મેદાને આવ્યા
કિરીટ પટેલે ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખ્યો
મહેસાણા ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે ઊંઝા વિધાનસભા વિસ્તારના ખેડૂતોને હાલમાં મળતી આઠ કલાક વીજળી વધારીને દસ કલાક કરવા માંગ કરી છે.
મહેસાણા જિલ્લામાં ખેડૂતોને રવિ પાક માટે 10 કલાક વીજળી આપવાની સરકારી જાહેરાત માત્ર કાગળ પર રહી હોવાના આક્ષેપો થયા છે. જિલ્લા કિસાન સંઘના પ્રમુખ રતિલાલ પટેલે આ મુદ્દે સવાલ ઉઠાવી સરકાર સમક્ષ ખેડૂતોને પૂરતી વીજળી આપવા માટે રજૂઆત કરી છે. ઊંઝાના ધારાસભ્યે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, ઊંઝા અને વડનગર તાલુકાના ખેડૂતોને ચાલુ વર્ષે બિનમોસમી વરસાદને કારણે ભારે આર્થિક નુકસાન થયું છે. આનાથી તેમના પરિવારોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે. સરકારે ૬ જિલ્લાના ખેડૂતોને શનિવારથી રવિ પાક માટે ૧૦ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ મહેસાણા જિલ્લામાં આ જાહેરાતનો અમલ થઈ રહ્યો નથી.તેમણે ફરિયાદ કરી કે મહેસાણા જિલ્લામાં માત્ર બહુચરાજીના ત્રણ ફીડરો પૂરતી જ 10 કલાક વીજળી આપવામાં આવે છે. આ સિવાય અન્ય કોઈ તાલુકામાં ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળતો નથી. મહેસાણા તાલુકાના ઉદલપુર ફીડર પર પણ માત્ર એક જ દિવસ ૧૦ કલાક વીજળી આપવામાં આવી હતી.
ખેડૂતો માટે ખેતી સિવાય આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હોવાથી, આ નુકસાનની ભરપાઈ કરવી જરૂરી છે. રવિ પાકની વાવણી અને ઉપજ સારી રીતે થાય તે હેતુથી, ખેડૂતોને મળતી આઠ કલાક વીજળી વધારીને દસ કલાક કરવા ભલામણ કરવામાં આવી છે. ખેડૂતોએ જ્યારે જેટકોમાં રજૂઆત કરી, ત્યારે જેટકોના અધિકારી ગૂર્જર સાહેબે એવું જણાવ્યું હતું કે સરકારે અમને આ અંગે કોઈ લેખિત પરિપત્ર કર્યો નથી. અમને માત્ર ત્રણ ફીડરની જાણ કરવામાં આવી છે, તે મુજબ જ વીજળી આપીએ છીએ અને બાકીનાને આપવાની નથી.કિસાન સંઘે સવાલ ઉઠાવ્યો છે કે જો સરકાર જાહેરાત કરે છે તો ખેડૂતોને વીજળી કેમ મળતી નથી? શું આનો અર્થ એવો થાય છે કે રવિ પાક ફક્ત બહુચરાજી તાલુકાના આ ત્રણ ફીડરમાં જ થાય છે? ખેડૂતોને સરકારની જાહેરાત મુજબ તાત્કાલિક 10 કલાક વીજળી મળે તે માટે કિસાન સંઘ દ્વારા સરકારને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
