અમરેલીમાં રોમિયો સ્કવોડ શરૂ કરવા ભાજપનેતા બાવકુ ઉંધાડનો પત્ર.
શહેરમાં રોમિયો સ્કવોડ શરૂ કરવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર
લુખ્ખાઓ અને રોમિયોગીરી કરનારાઓનો વધ્યો ત્રાસ.
પટેલ સંકુલના પ્રમુખની રજૂઆતને લઇને લખ્યો પત્ર.
અમરેલીમાં ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે શહેરમાં રોમિયો સ્ક્વોડ ફરી શરૂ કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. આ માંગણી ખાસ કરીને વિદ્યાર્થીનીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેઓ લુખ્ખા તત્વો અને રોમિયોગીરીથી પરેશાન છે
ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે આ પત્ર અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલા પટેલ સંકુલના પ્રમુખની રજૂઆતને પગલે લખ્યો છે. આ સંકુલમાં હજારો વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે, અને તેમને અવારનવાર આવા લુખ્ખા તત્વોનો સામનો કરવો પડે છે. આ પ્રકારની છેડતી અને રોમિયોગીરીને કારણે વિદ્યાર્થીનીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. પત્રમાં જણાવાયું છે કે ભૂતકાળમાં એસપી શોભા ભૂતડાના કાર્યકાળ દરમિયાન રોમિયો સ્ક્વોડ ખૂબ જ અસરકારક રીતે કાર્યરત હતી, જેના કારણે આવા તત્વો પર લગામ કસાઈ હતી. ગુજરાતમાં હવે ફરીથી તે જ પ્રકારની સ્ક્વોડને સક્રિય કરીને આવા બનાવોને અટકાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. બાવકુ ઉંધાડે ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત અમરેલીના એસપીને પણ આ મામલે પત્રલખીને રોમિયોગીરી ડામવા માટે સઘન પ્રયાસો કરવા વિનંતી કરી છે. આ પત્રથી હવે અમરેલીમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
