સુરત: કાપોદ્રાના હીરાબાગમાં એસએમસીના કર્મચારી પર હુમલો,
દાતરડાં વડે દોરી કાપી પશુઓને છોડાવી ગઈ મહિલાઓ
હુમલો કરનાર બે મહિલા સહિત ત્રણ ઝડપાયા
સુરતના વરાછા વિસ્તારમાં રખડતા ઢોરોને પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલાનો પ્રયાસ કરી મહિલાઓ સહિતનાઓ ઢોર છોડાવી ગયા હતા જે ઘટનાનો વિડીયો પણ વાયરલ થયા બાદ તાત્કાલિક કાપોદ્રા પોલીસે ગુનો નોંધી પાલિકા કર્મચારીઓ પર હુમલો કરનાર બે મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં રખડતા ઢોરોનો આતંક સામે આવે છે ત્યારે રખડતા ઢોરોને પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. સુરતના વરાછા હિરાબાગ વિસ્તારમાં મહિલાઓ રણચંડી બની હતી. અને ઢોર ડબ્બાના કર્મચારીઓને મારી નાંખવાની ધમકી આપી હતી. કર્મચારીઓને દાતરડું બતાવી કહ્યું વચ્ચે આવ્યા તો જાનથી મારી નાખીશું, બે મહિલા સહિત એક ઈસમ વિરૂદ્ધ હાલ તો આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થતા જ કાપોદ્રા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને પી.આઈ. એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ તપાસ કરી મનપા કર્મચારીઓ પર હુમલાનો પ્રયાસ કરી રખડતા ઢોર છોડાવી જનાર બે મહિલાઓ જાલુબેન ઉર્ફે જભુબેન ભનુભાઈ સેલાભાઈ, કાજલબેન ભનુભાઈ સેલાભાઈ મેર તથા વિજય ભનુ મેરને ઝડપી પાડી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
