નવસારી જિલ્લાના બીલીમોરા નજીક યુવાન પર બુટલેગરે કાર ચડાવી
બુટલેગરે કાર ચડાવી દઈને તેની નિર્મમ હત્યા કરી
ઇરાદાપૂર્વક ક્રિકેટ ગ્રાઉન્ડ પર ધસી જઈ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
નવસારી જિલ્લાના બીલીમોરા નજીક આવેલા ખાપરવાડા ગામમાં મોડી સાંજે એક યુવાન પર બુટલેગરે કાર ચડાવી દઈને તેની નિર્મમ હત્યા કરવામાં આવી છે. સામાન્ય ઝઘડાનો ખાર રાખીને એક બુટલેગરે ઇરાદાપૂર્વક ક્રિકેટ ગ્રાઉન્ડ પર ધસી જઈ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો છે.
નવસારીના બીલીમોરા નજીક આવેલ ખાપરવાડા ગામે ગઈકાલે રાત્રે 8:20 વાગ્યાની આસપાસ હસમુખભાઈ અને તેમના મિત્રો સિંગોત માતાના મંદિર પાસે બેઠા હતા. તે સમયે ભાઠલા ગામનો રહેવાસી કૃપાલ મગનભાઈ પટેલ, જે કથિત રીતે બુટલેગર હોવાનું કહેવાય છે, તે પોતાની કાર લઈને ત્યાં પહોંચ્યો હતો અને મંદિરના ચોતરા પાસે જોખમી રીતે સ્ટન્ટ કરવા લાગ્યો હતો.
હસમુખભાઈ અને તેમના મિત્રોએ તેને આવું જોખમી કૃત્ય ન કરવા અને કોઈ નિર્દોષને ઈજા ન થાય તે માટે વિનંતી કરી હતી. આ વાતથી ઉશ્કેરાઈને કૃપાલે હસમુખભાઈ પર કાર ચડાવી દીધી હતી. હસમુખભાઈ નીચે પડી ગયા હોવા છતાં, આરોપીએ ફરીથી કાર રિવર્સમાં લઈ તેમની ઉપર ચડાવી દીધી હતી. હસમુખભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને હત્યારો કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
