સુરત ભાજપના પુર્વ શહેર પ્રમુખ નિતિન ભજીયાવાળાની રજૂઆત
ચૌટા બજાર તથા રાજમાર્ગ પર રાત્રી બજારના નામે દબાણો
ગેરકાયદે લારી-ગલ્લા, પાથરણા અને દુકાનોનું દબાણ
સુરતના માજી કોર્પોરેટર અને ભાજપના પુર્વ શહેર પ્રમુખ નિતિન ભજીયાવાળાએ કોટ વિસ્તાર અને તેમાં પણ ખાસ કરીને ચૌટા બજાર તથા રાજમાર્ગ પર રાત્રી બજારના નામે થતા દબાણો દુર કરવા માંગ કરી હતી.
સુરતમાં હાલ વરાછા વિસ્તારમાં દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે સુરત શહેરના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલાનો મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો છે. અને જણાવ્યુ હતું કે રાજમાર્ગ પર રાત્રી બજારના નામ પર દબાણોનું મોટું દૂષણ છે. સાથે ચૌટા બજારમાં વર્ષો જુની દબાણની સમસ્યા છે જે માટે અનેક ફરિયાદો અને રજુઆતો કરાઈ હોવા છતા આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે વરાછાની જેમ કોટ વિસ્તારનાં દબાણો હટાવવા માટે પણ અંગત રસ દાખવવાની રજૂઆત મેયરને કરી હતી. દર વખતની જેમ રજૂઆતની અરજી દફતરે ન થાય અને સમસ્યાનો કાયમી ઉકેલ આવે એવી ટકોર કરતા ગરમા ગરમ ચર્ચાઓ શરૂ થઈ છે. કોટ વિસ્તારની મુખ્ય સમસ્યા ગેરકાયદે લારી-ગલ્લા, પાથરણા અને દુકાનોનું દબાણ, ગેરકાયદે પાર્કિંગ અને સફાઈ, ગેરકાયદે પાર્કિંગ વગરના કોમર્શિયલ બાંધકામો છે.
