દાહોદ ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ ઠાલવ્યો બળાપો
અધિકારીઓ ધારાસભ્યને ભાજીમુળા સમજે છે
“સરકારની ગુડ બુકમાં રહેવા ડીડીઓઓના મનસ્વી વહીવટ”
ઝાલોદના ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં જ ઉગ્ર રોષ વ્યક્ત કરતા વહીવટી તંત્રમાં સોપો પડી ગયો હતો.
ગુજરાતમાં ઘણીવાર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સરકારી બાબુઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળતો હોય છે, પરંતુ જ્યારે શાસક પક્ષના જ ધારાસભ્ય જાહેરમાં પોતાની સરકારના અધિકારી સામે બાંયો ચઢાવે ત્યારે મામલો ગંભીર બની જાય છે. તાજેતરમાં ઝાલોદના ભાજપના ધારાસભ્ય મહેશ ભુરિયાએ જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની હાજરીમાં જ ઉગ્ર રોષ વ્યક્ત કરતા વહીવટી તંત્રમાં સોપો પડી ગયો હતો. તેમનો સીધો આક્ષેપ હતો કે, DDO મનસ્વી રીતે નિર્ણયો લઈ રહ્યા છે. ખાસ કરીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના અંતર્ગત 12,000 જેટલા કૂવાઓની ફાળવણી DDO દ્વારા બારોબાર કરી દેવામાં આવી હોવાનો ધડાકો તેમણે કર્યો હતો. ભુરિયાના મતે, અધિકારીઓ સરકારની ‘ગુડ બુક’માં રહેવા અને વાહવાહી મેળવવા માટે કરોડો રૂપિયાના કામો એનજીઓ અને અન્ય એજન્સીઓને પધરાવી દે છે, જેમાં સ્થાનિક નેતૃત્વને વિશ્વાસમાં લેવામાં આવતું નથી.
મળતી માહિતી મુજબ, એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ધારાસભ્ય મહેશ ભુરિયાનો પિત્તો આસમાને પહોંચ્યો હતો. તેમણે DDO પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગાંઠતા નથી. ભુરિયાએ અત્યંત તીખા શબ્દોમાં કહ્યું હતું કે, “શું અધિકારીઓ ધારાસભ્યને ભાજીમૂળા સમજે છે ? વહીવટી તંત્રની બેદરકારીના વધુ એક નમૂનારૂપ આક્ષેપ કરતા MLAએ કહ્યું હતું કે, જિલ્લામાં મળતી ‘દિશા’ (DISHA) જેવી મહત્વની બેઠકો માત્ર ઔપચારિકતા બની ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી આ બેઠકોમાં કોઈ નક્કર ચર્ચા થતી નથી અને માત્ર 10 મિનિટમાં જ મીટિંગ પૂર્ણ કરી દેવામાં આવે છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
