સુરત રીંગરોડની રઘુકુળ માર્કેટમાં મનોજ સિલ્ક નામની દુકાનમાં આગ ભભૂકી
આગની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી,
સુરતના રિંગ રોડ પર આવેલા જાણીતા રઘુકુળ માર્કેટમાં આજે એક દુકાનમાં આગ લાગવાની ઘટના બનતા વેપારી આલમમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સુરતના રીંગરોડની રઘુકુળ માર્કેટમાં આવેલી મનોજ સિલ્ક નામની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમો તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. ચાર જુદા-જુદા ફાયર સ્ટેશનના જવાનોએ સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગની સમયસર અને તાત્કાલિક કામગીરીના કારણે આગને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પહેલા જ સફળતાપૂર્વક નિયંત્રિત કરી દેવામાં આવી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી સૌએ રાહતનો શ્વાસ લીધો છે.
