રાજકોટમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સભામાં હોબાળો.
ચાલુ સભામાં સુભાષ આહિર નામના વ્યક્તિએ કર્યો સવાલ.
એક સીટ આવી ત્યા તો સવાલ કરનારને લાફો પડ્યો
રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપના મજબૂત ગઢ ગણાતા રાજકોટના પાટીદાર પ્રભાવિત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક જાહેર સભાનું આયોજન કર્યું હતું. જોકે આ સભામાં એક વ્યક્તિએ ઇટાલિયાનો વિરોધ કરીને હંગામો મચાવ્યો, જેના કારણે તેમને પોતાની સ્પીચ અધવચ્ચે અટકાવવાની ફરજ પડી હતી.
રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. આ રાજકીય જંગમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ભાજપના ગઢ ગણાતા રાજકોટના પાટીદાર પ્રભુત્વ ધરાવતા સામા કાંઠા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક જાહેર સભા યોજી હતી. આ સભામાં મોટી સંખ્યામાં પાટીદારો સહિત સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. સભામાં હંગામો અને વિરોધ ગોપાલ ઇટાલિયા જ્યારે સભાને સંબોધી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિ, જેનું નામ સુભાષભાઈ આહીર હોવાનું કહેવાય છે, તેણે ઊભા થઈને તેમનો સખત વિરોધ કરવાનું શરૂ કર્યું. તેણે ઇટાલિયાની સ્પીચ અટકાવીને કહ્યું, “એક સીટ આવી અને મોરબીમાં ફળાકો માર્યો.” આ વ્યક્તિએ ઇસુદાન ગઢવી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા અને કહ્યું, ગોપાલ ભાઈ, તમે રાજકોટમાં આવીને ખાડાની વાત કરો છો, વિસાવદરમાં ખાડા નથી ? સુભાષભાઈ આહીરના આ વિરોધથી સભામાં તણાવ વધ્યો હતો. આ હંગામા બાદ ઇટાલિયાએ સભામાં જ સ્પષ્ટતા આપી કે, “ભાજપે આ નવું ચાલુ કર્યું છે, પાંચ હજાર ને દસ હજાર આપીને મોકલે છે.” તેમણે આ ઘટનાને ભાજપ દ્વારા પોતાની છબી ખરાબ કરવા માટે આયોજિત પ્રયાસ ગણાવ્યો. આ વિરોધ બાદ પણ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું. તેમણે કહ્યું કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર થવાની છે અનેરાજકોટમાં ભયંકર રીતે વિસાવદરવાળી થવાની છે. ઇટાલિયાએ ભાજપ શાસિત રાજકોટમાં નેતૃત્વની કમી હોવાનું જણાવીને કહ્યું કે, લોકોને સામાન્ય કામ કરાવવા માટે પણ પૈસા આપવા પડી રહ્યા છે.
રાજકોટમાં નેતાઓનું કંઈ ઉપજતું નથી અને અમલદારશાહી જોવા મળી રહી છે. ઇટાલિયાએ દાવો કર્યો કે વિસાવદરની જેમ જનતા રાજકોટમાં પણ પરિવર્તન ઇચ્છી રહી છે. આ સભા દ્વારા આમ આદમી પાર્ટી રાજકોટના પાટીદાર સમુદાયમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે, જે પરંપરાગત રીતે ભાજપનો ગઢ રહ્યો છે. આ ઘટના દર્શાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી એક મોટો રાજકીય જંગ બનશે, જ્યાં દરેક પક્ષ બીજા પક્ષની રણનીતિઓનો સામનો કરવા માટે તૈયાર છે. ઇટાલિયાની સભામાં થયેલા વિરોધ બાદ AAP અને ભાજપ બંને આગામી સમયમાં કેવા પગલાં ભરે છે તે જોવું રસપ્રદ રહેશે.
